



કેયુર પાઠક, અંકલેશ્વરમાં રાજપૂત કરણી સેના દ્વારા તાંડવ વેબ સીરીઝનો વિરોધ કરવામાં આવ્યો છે. તાજેતરમાં રીલીઝ થયેલ તાંડવ વેબ સીરિઝનો ઠેર ઠેર વિરોધ નોધાવવામાં આવી રહ્યો છે ત્યારે અંકલેશ્વરમાં કરણી સેનાએ પણ પોસ્ટર સળગાવી વિરોધ નોધાવ્યો હતો.
ગત શુક્રવારે એક્ટર સૈફ અલી ખાન-ડિંપલ કાપડિયા અને અલી જીશાન આયૂબ સ્ટારર વેબ સીરીઝ તાંડવ રિલીઝ થઇ છે. આ સીરીઝમાં કેટલાક સીનને લઇને ભારે વિવાદ જોવા મળી રહ્યો છે. હિંદુઓની ભાવનાને ઠેંસ પહોંચાડવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે ત્યારે અંકલેશ્વરનાં કાપોદ્રા પાટીયા ખાતે રાજપૂત કરણી સેનાનાં ઉપપ્રમુખની અધ્યક્ષતામાં તાંડવ વેબ સીરીઝનાં પોસ્ટરો સળગાવી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. કરણી સેનાએ સૂત્રોચ્ચાર કરી તાંડવ વેબ સીરીઝ હિંદુ વિરોધી હોવાની વાત કરી તાંડવનો વિરોધ કર્યો હતો. ઠેર-ઠેર કરણી સેનાએ તાંડવ વેબ સીરીઝનાં પોસ્ટરો સળગાવી કાપોદ્રા પાટીયા પાસે કરણી સેનાનાં ઉપપ્રમુખને સાથે રાખી વિરોધ પ્રદર્શિત કરી તાંડવ વેબ સીરીઝ પ્રસારિત ન કરવા નારાબાજી કરી હતી.
અત્રે મહત્વપૂર્ણ છે કે તાંડવ વેબ સીરિઝના નિર્માતા અને નિર્દેશકો વિરુધ્ધ દેશમાં અનેક જગ્યાએ પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને કેન્દ્રિય સૂચના તેમજ પ્રસારણ મંત્રાલય પણ આ મામલે હસ્તક્ષેપ કરી રહ્યું છે. આગામી સમયમાં “તાંડવ” ને લઈ સેન્સર બોર્ડ કેવા નિર્ણયો કરે છે એ જોવું રહ્યું.