



ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાનાં ઇલાવગામના કાવડયાત્રીઓ મહારાષ્ટ્રના ભિમાશંકર જયોતિર્લિંગની યાત્રાએ જવા રવાના થયા હતા ત્યારે ગ્રામજનો દ્વારા કાવડયાત્રીઓ પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જય રહ્યો છે ત્યારે ભોળાશંભુને રીઝવવા ભક્તો આતુર બન્યા છે. પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન કાવડ યાત્રાનું અનેરું મહત્વ છે ત્યારે હાંસોટના ઇલાવ ગામના કાવડયાત્રીઓ મહારાષ્ટ્રમાં આવેલ ભીમાશંકર મહાદેવ જયોતિર્લિંગની કાવડયાત્રાએ જવા રવાના થયા હતા. આજરોજ ગામના રામજી મંદિર,ભીડભંજન મહાદેવ મંદિર,વેરાઈ માતા મંદિર અને હનુમાન મંદિરે દર્શન કરી હર હર મહાદેવના નાદ સાથે આ કાવડયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો દરમ્યાન ગ્રામજનો દ્વારા કાવડયાત્રીઓ પર પુષ્પવર્ષ કરવામાં આવી હતી અને તેઓની યાત્રા શુભ રહે એવી પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે હાંસોટ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ જયેશ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપના બૂથના સહ ઇન્ચાર્જ વનરાજ સિંહ,ગામના આગેવાન મહાદેવભાઈ પટેલ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
ઇલાવ ગામના 17 કાવડ યાત્રીઓ સહિત કુલ 23 યાત્રાળુઓ 560 કી.મી.નું અંતર પગપાળા કાપી 12 દિવસે મહારાષ્ટ્રના ભિમાશંકર મહાદેવ જયોતિર્લિંગ ખાતે પહોંચશે અને શ્રાવણ માસના પ્રથમ સોમવારે દેવાધિદેવ મહાદેવને જળ અર્પણ કરી પરત ઇલાવ આવવા રવાના થશે. કાવડયાત્રીઓ દ્વારા રોજણું 50 કી.મી.નું અંતર પગપાળા કાપવામાં આવશે.