



ભરૂચમાં એક 60 વર્ષીય વ્યક્તિએ સ્વતંત્ર પર્વની ઉજવણી દરમ્યાન આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી તંત્રને દોડતું કર્યું છે. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે અશોક મહેતા નામના આ વ્યક્તિની અટકાયત કરી મામલો થાળે પાડવા સમજાવટ અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સહિતના પ્રયાસ હાથ ધર્યા છે ભરૂચના શ્રવણ ત્રણ રસ્તા નજીક દબાણ દૂર કરવા મામલે તંત્ર રસ ન લેતું હોવાના આક્ષેપ સાથે આ વ્યક્તિએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. ન્યાય ન મળે તો 15 ઓગસ્ટ સરકારી કાર્યક્રમ દરમ્યાન તેણે આમવિલોપન કરી નાખવાની ચીમકી આપી છે.
60 વર્ષીય અશોકભાઇ વસંતલાલ મહેતાએ સરકારના અલગ – અલગ વિભાગોમાં અરજી કરતા જણાવ્યું છે કે તંત્રને શ્રવણ ત્રણ રસ્તા નજીક ગેરકાયદેસર રીતે કરાયેલા દબાણ દુર કરવા માટે તેણે વારંવાર અરજીઓ કરી છે. તારીખ 15 ઓગસ્ટ 2022 પહેલા આ દબાણો દૂર કરવા બાબતે કોઇ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો તે સરકારી કાર્યક્રમ વચ્ચે આત્મવિલોપન કરી લેશે. અરજીમાં જણાવ્યા અનુસાર નંદેલાવ રેવન્યુ સર્વે નં 49 / 1 ના જવા આવવાનો 9 મીટરનો રસ્તો આવેલ છે તે રસ્તા ઉપર ફુડ ઝોનના પતરાનો શેડ બનાવી રેસ્ટોરન્ટ બનાવી દેવામાં આવ્યું છે. આ કારણે સોસાયટીનો આવવા જવાનો રસ્તો 9 મીટરના સ્થાને 3 મીટરનો થઇ ગયો છે. આ ઉપરાંત નજીકમાં આવેલા કોમ્પ્લેક્ષમા ગેરકાયદેસર રીતે દબાણ કરી સીડી બાંધી દેવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ ગેરકાયદેસર દબાણો દુર કરવા માટે અરજદારે સંબંધિત કચેરીઓમાં અવાર – નવાર રજુઆત કરતા બૌડા કચેરી ભરૂચ દ્વારા તા .૦૫ / ૦૯ / ૨૦૨૦ ના રોજ બાંધકામ દુર કરવાની કાર્યવાહી કરવા આવેલ હતી અને દબાણ દુર કરવામા આવેલ હતા. જોકે થોડા દિવસ બાદ ફરીથી દબાણ કરવામાં આવ્યું હોવાના અને ફરી રજુઆત કરવામાં આવતા કેસ કરી મામલો દબાવી દેવા મજબુર કરતા હોવાનો અશોકભાઈએ આક્ષેપ કર્યો છે.
દબાણ દૂર કરવા માટે સરકારી કચેરીઓમા રજુઆત કરવા છતા કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી એડીશનલ ચીફ ટાઉન પ્લાનર સાહેબનાઓને મુલાકાત માટેનો સમય માંગ્યો હતો પરંતુ તેઓ તરફથી પણ સમય આપવામાં ન આવતા કંટાળી અશોક મહેતાએ તા .૧૫ / ૦૮ / ૨૦૨૨ પહેલા દબાણ દુર કરવા કે આ બાબતે કાયદેસરની કોઇ કાર્યવાહી કરવામા નહી આવે તો સ્વતંત્ર પર્વના સરકારી કાર્યક્રમ વચ્ચે આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે.
સરકારી કાર્યક્રમમાં આત્મવિલોપનની ચીમકીના પગલે તંત્ર દોડતું થયું છે. ભરૂચ શહર એ ડિવિઝન પોલીસે અશોક મહેતાની અટકાયત કરી હતી. મામલો થાળે પાડવા અરજદારને સમજાવવાથી લઈ તે આત્મવિલોપન ન કરે તે માટે બાંહેધરી લખાવવા સહિતની કાર્યવાહી કરાવવામાં આવી છે.