



- ચોથા નોરતાએ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ગરબા પ્રેમીઓએ ધૂમ મચાવી
- ગરબાના તાલે મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા
ભરત ચુડાસમા : ભરૂચ પોલીસ પરિવાર આયોજિત નવરાત્રી મહોત્સવ 2022માં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ભરૂચના વડીલોના ઘર ખાતે રહેતા ઘરડા ઘરના વડીલો સાથે પોલીસે પણ ગરબા કરતા ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતા.
જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ દ્વારા 24 કલાક અને 365 દિવસ ફરજ, સેવા અને બંદોબસ્તમાં વ્યસ્ત રહેતા પોલીસ તેમજ તેમના પરિવાર માટે નવ દિવસ માતાજીની આરાધના કરી ગરબે ઘુમવા પેહલી વખત ભવ્ય નવરાત્રી યોજવામાં આવી છે.
ગરબા મહોત્સવ ના ચોથા દિવસે ભરૂચ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર મોટી સંખ્યામાં ગરબા પ્રેમી ભરૂચ શહેરના ખેલૈયાઓ મન ભરીને ગરબે ઘૂમ્યા હતા.
જિલ્લા પોલીસ પરિવાર સાથે પત્રકાર અને તેમના પરિવાર અને પ્રજા પણ નવરાત્રીનો મનમૂકી નિશ્ચિત થઈ સલામતીના 9 સ્ટેપ્સ સાથે આંનદ માણી શકે તે માટે જિલ્લા પોલીસ આ નવરાત્રી મહોત્સવ ભવ્ય ડેકોરેશન, મુંબઈ અને વડોદરાનું કલા વૃંદ, પાવરફુલ સાઉન્ડ સિસ્ટમ, ગરબા રમવા અને માણવાની વ્યવસ્થા તેમજ ખાણી પીણીના સ્ટોલ ઉભા કરાયા છે.
ગુજરાત તેમજ વિશ્વભરમાં પ્રસિદ્ધ લોકગાયક અભેસિંગ રાઠોડ એ પણ હાજરી આપી અને ખેલૈયાઓને પોતાની આગવી છટામાં ગરબાના તાલે ઝુમતા કરી દીધા હતા.
ભરૂચ પોલીસ પરિવાર સાથે પત્રકારોના પરિવાર અને શહેર તેમજ જિલ્લાની પ્રજા નવરાત્રી મહોત્સવને સલામત તેમજ ભક્તિભાવ સાથે નવે નવ દિવસ ગરબે ઘૂમી માણી શકે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ SP ડો. લીના પાટીલે તમામ પ્રજ્જનોને જિલ્લા પોલીસ પરિવાર દ્વારા આયોજિત નવરાત્રી ઉત્સવમાં ગરબે ઘુમવા આમંત્રણ પાઠવ્યું છે. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલભાઈ પટેલ, ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ તેમજ રાધે પટેલ સહિત આમંત્રિત મહેમાનોએ પણ પોલીસ ના ગરબામાં માં અંબા ની આરાધના કરી હતી.