Vande Gujarat News
Breaking News
Gujarat

હજારો કિલોમીટર દૂરથી ઉડીને આવતા વિદેશી પક્ષીઓ જોવા માટે આ જ તો છે શ્રેષ્ઠ સમય !

વડોદરાથી માત્ર દોઢેક કલાકની મુસાફરી બાદ ડભોઈ તાલુકામાં આવેલા વઢવાણા પક્ષી અભયારણ્ય માટે એવું કહી શકાય કે, ‘યે નહીં દેખા તો કુછ નહીં દેખા !’. કારણ કે, ૬૩૦ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું આ તળાવ હજારો માઈલ દૂરથી ઉડીને આવતા અવનવા પક્ષીઓનું અનેરૂ અને સુરક્ષિત વિશ્વ છે. ૧૩૫ થી વધુ જાતિના વિવિધ પક્ષીઓની આ અલગ દુનિયામાં ૩૫ થી વધારે જાતિના તો પ્રવાસી (યાયાવર) પક્ષીઓનો સમાવેશ થાય છે. અને આ જ તો શ્રેષ્ઠ સમય છે, વઢવાણા વેટલેન્ડની મુલાકાત લેવાનો. આ રસપ્રદ વિગતો વાંચ્યા પછી, તમે પણ પક્ષીઓના આ અનેરા વિશ્વને જાણવાની જિજ્ઞાસા તથા વઢવાણા વેટલેન્ડની મુલાકાત લેતા પોતાને રોકી નહીં શકો.

આમ તો, અંદાજે ૧૦૦ વર્ષ પહેલા સિંચાઈના હેતુથી વડોદરાના રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ આ તળાવનું નિર્માણ કરાવ્યું હતું. પરંતુ અત્યારે તો, એ પ્રવાસી પક્ષીઓ અને લોકો માટે પર્યટન સ્થળ બની ગયું છે. ડભોઇ શહેરના નાંદોદી દરવાજાથી સંખેડા તરફ જતા રસ્તા પર તમે ડાબી બાજુના વળાંક પર વાહન લો, એટલે તમને આસપાસના ખેતરોમાં જ અવનવા પક્ષીઓ અને તેનો કલરવ સાંભળીને નજીકમાં પક્ષી અભયારણ્ય હોવાની ગંધ આવી જાય. અને પછી, શોધતા-શોધતા તમે વઢવાણા પાસે આવેલા તળાવ સુધી પહોંચી જાવ, એટલે તમને દેશના અગત્યના જળપ્લાવિત વિસ્તાર (વેટલેન્ડ) તેમજ રામસર સ્થળના પણ દર્શન થઈ જ જાય.

આમ તો સ્થાનિક પક્ષીઓ માટે આ રહેણાંક સ્થાન જેવું જ છે, પરંતુ જો તમારે વિદેશી પક્ષીઓને જોવા હોય..તેની કરતબ નિહાળવી હોય કે પછી પ્રકૃતિને મહાલવી છે..તો, આ જ સમય શ્રેષ્ઠ છે. કારણ કે, શિયાળામાં એટલે કે નવેમ્બરથી માંડીને ફેબ્રુઆરી કે માર્ચ સુધી અહીં યાયાવર તેમજ સ્થાનિક પક્ષીઓનો મેળાવડો જામે છે. પક્ષીઓની બહુ બધી જાતિઓમાં અહીં શિયાળો વિતાવવા આવતા તમામ પક્ષીઓના નામ લખવા તો થોડું મુશ્કેલ છે. પરંતુ, અહીં બતક, હંસ, બગલા-બગલી અને ડૂબકીઓ સહિતના અલગ-અલગ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે, જેમાં લાલ આંખ કારચિયા, સફેદ સુરખાબ, નાનો કલકલિયો, મોટો હંજ, નાની ડૂબકી, લુહાર સહિતના પક્ષીઓનો સમાવેશ થાય છે. હિમાલયનાં માનસરોવરથી રાજહંસોનું ટોળું, હિમાલયનાં સો-મોરીરીથી ભગવી સુરખાબ, આફ્રિકા અને સિંધ પ્રાંતમાંથી હંસોનું ટોળું, મધ્ય એશિયાનાં વિસ્તારોમાંથી ગુલાબી પેણ, સિંધ પ્રાંતમાંથી શિકારી પક્ષીઓ પણ અહીં આવીને તેમને ગમતું અને સુરક્ષિત વિશ્વ મેળવી લે છે.

આમ તો, અહીં પક્ષીઓની વિવિધતા અને સુંદરતા માણવા તેમજ અભ્યાસ કરવાનો શ્રેષ્ઠ સમય વહેલી સવારનો છે. આમ છતાં સાંજે પાંચ વાગ્યા સુધી પક્ષી દર્શન થતા રહે છે. વઢવાણા સરોવરને સંપૂર્ણ પણે શાંતિથી જોવા માટે આશરે પાંચથી છ કલાકનો સમય જોઈશે જ. માત્ર ડિસેમ્બર મહિનામાં જ ૬૦ હજારથી વધારે પક્ષીઓએ પોતાના આ સુરક્ષિત વિશ્વમાં સમય વિતાવ્યો છે, તેના પરથી જ તેની વિવિધતા, જટિલતા અને સુંદરતાનો ખ્યાલ આવી જાય.

અહીં પહોંચો તો, પહેલા તો અત્યાધુનિક ભૌતિક સુવિધા અને ગેસ્ટ હાઉસથી સજ્જ એવા વન વિભાગનો બાંધકામવાળો વિસ્તાર આવે છે. સાથે જ અહીં તમને વન વિભાગનો સ્ટાફ પણ મળે છે, જે તમને સંપૂર્ણ માર્ગદર્શન આપવા અને મદદ માટે સદૈવ તત્પર હોય છે. ત્યાં વાહન પાર્ક કર્યા બાદ, શરૂ થાય છે તમારી રોમાંચક પક્ષી દર્શન યાત્રા.

અદભૂત અને અવનવા પક્ષી દર્શનનો લાભ લેવો હોય તો, કુદરતના માહોલમાં રત થઇ જવાય એવા ડલ રંગોનાં કપડાં પહેરીને ચાલતા-ચાલતા લગભગ દોઢ કિલોમીટર દૂર માંજરોલ ટાવર પહોંચી જશો, એટલે નિરવ શાંતિ વચ્ચે તમને અનોખી દુનિયામાં આવ્યા હોવાનો અહેસાસ થશે. અને હા, ‘સોને પે સુહાગા’ કહેવતને વારંવાર બોલવા માટે દૂરબીનને સાથે જ રાખજો હોં !

રેડ ક્રેસ્ટેડ પોચાર્ડ, બાર હેડેડ ગીઝ, હેરિયર્સ, હવામાં કરતબો કરતું બ્લુ ટેઇલ્ડ બી ઇટર, પાણીમાં શિકાર કરતી લિટલ ગ્રેબ, તળાવ વચ્ચે લાકડાં પર બેસેલું સ્નેકબર્ડ ડાર્ટર, બોઇંગ વિમાનની જેમ પાણી પર ઉતરાણ કરતાં પેલિકન્સ, પાણીમાં ચાંચ ડૂબાડીને કોઈ તરતી સ્ટીમર માફક ટોળામાં ખોરાક શોધતા ફ્લેમિન્ગોઝ, ઊંચે આકાશમાંથી પાણીમાં છલાંગ લગાવીને એક જ ઝાટકે માછલી પકડીને ઊડતું ઓસ્પ્રે, સફેદ રૂ જેવું મુલાયમ કોટન પીગ્મી ગૂઝ, ઊડતાંવેંત જ સિસોટી મારતું લેસર વ્હીસલિંગ ડક વગેરે જેવાં વિવિધતમ સુંદર પક્ષીઓ જોવાથી તમારું મન જ નહીં ભરાય. અહીં ત્રણ વોચ ટાવર પણ છે, જેના પરથી પાણીમાં દૂર સુધી મહાલતાં પક્ષીઓની કરતબને શાંતિથી નિહાળી શકાય છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પના અનુસાર અમૃત સરોવર બનાવાયેલા આ તળાવમાં વિવિધ પક્ષીઓનાં મધુર કલરવ સાંભળવા મળશે, જે તમને આશ્ચર્યમાં ગરકાવ કરી મૂકશે. અહીં વિવિધ પક્ષીઓ બ્રીડિંગ માટે પ્રયત્નો કરતા દેખાશે, તો વળી કેટલાક પક્ષીઓ પોતાના બચ્ચાંઓને સંઘર્ષનાં વિવિધ પાઠ ભણાવતા જોવા મળશે. પ્રકૃતિએ ખુલ્લાં મૂકેલા આ ખજાનાને નિહાળીને તમારી જિજ્ઞાસા અને કુદરત તરફની સમીપતા વચ્ચેનું અંતર ચોક્કસથી ઘટી જશે. અહીં આવતા વિદેશી મહેમાનોથી માહિતગાર થવાની સાથે વન્યસૃષ્ટિ અને પ્રકૃતિ પ્રત્યે સંવેદના આપોઆપ જાગી જશે.

અહીં રહેવાની અને જમવાની સુંદર વ્યવસ્થા છે, એટલા માટે તો સપ્તાહના અંતના દિવસોમાં એટલે કે શનિ-રવિમાં સુરત, અમદાવાદ જેવા મોટા મોટા શહેરોમાંથી પણ લોકો ઉમટે છે. બસ ભરીને ભરીને આવતા વિદ્યાર્થીઓને અને બાળકોને તો અહીં મજા જ પડી જાય છે. વિદેશી મહેમાનોના દુર્લભ દર્શન કરવાના તમારે પણ બાકી હોય તો, બનાવી લો વઢવાણા વેટલેન્ડની મુલાકાતનો પ્લાન. કારણ કે, ‘યે નહીં દેખા તો કુછ નહીં દેખા !’

संबंधित पोस्ट

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા જિલ્લામાં વિવિધ સ્થળોએ સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

Vande Gujarat News

ભારત બંધમાં ભરૂચ 50-50, ભરૂચની વડાદલા APMC ચાલુ, મોહમ્મદપુરા APMC સજ્જડ બંધ, દહેજ રોડ પર ટાયરો સળગાવી ચક્કાજામ, કોંગી પ્રમુખ સહિત આગેવાનોની અટકાયત

Vande Gujarat News

અલંગ યાર્ડમાં લકઝરી ક્રૂઝ જહાજોની સતત વધતી સંખ્યા

Vande Gujarat News

આજે રાજ્યની 8 વિધાનસભા બેઠકોના પરિણામ, 8 બેઠક પર 320 કર્મચારીઓ કાર્યરત – પોસ્ટલ બેલેટની ગણતરીમાં ભાજપ બે બેઠક પર આગળ

Vande Gujarat News

ભરૂચમાં શ્વાન (કુતરાઓ) ક્યાં કરે છે માતાજીની આરતી ? આસ્થા, શ્રદ્ધા અને ધર્મ જ્યાં મરી પરવાર્યા છે, ત્યાં આ શ્વાન માણસાઈને પણ શરમાવે છે.

Vande Gujarat News

ખેડૂતો માટે આજીવન સંઘર્ષ કરનારા જીવણદાદાનું નિધન, CM રૂપાણીએ શિશ ઝૂકાવી નમન કર્યું

Vande Gujarat News