



નવી શિક્ષણમાં બહું મોટા ફેરફાર કરવામાં આવી રહ્યા છે. તેમાં પણ અત્યારે ટ્યુશન કલ્ચર ગ્રામ્યથી લઈને શહેરોમાં જોવા મળી રહ્યું છે. ત્યારે તેમાં કંટ્રોલ લાવવાને ધ્યાનમાં રાખીને પ્રશ્નપત્રોની અંદર ફેરફાર કરવામાં આવશે. ગુજરાતમાં ખાસ કરીને ટ્યુશન કલ્ચર જોવા મળી રહ્યું છે.
આ ઉપરાંત અન્ય પ્રકારના ફેરફાર પણ કરવામાં આવશે. સ્કૂલોમાં શિક્ષણમાં અભ્યાસક્રમથી લઈને કલ્ચર બદલવામાં આવી રહ્યું છે. જો કે, ધોરણ 10ની બોર્ડની પરીક્ષાને લઈને પણ ચર્ચા થતી હતી ત્યારે સૂત્રો તરફથી મળતી વિગતો અનુસાર ધોરણ 10માં બોર્ડની પરીક્ષામાં કોઈ ફેરફાર નહીં કરાય પરંતુ ધોરણ 3,5 અને 8માં કોમન પરીક્ષા લેશે.
તાજેતરમાં ગુજરાતમાં બેગલેસ કલ્ચરને લઈને પણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 10 દિવસ બેગ લીધા વિના વિદ્યાર્થીઓ આવશે અને ઈત્તર પ્રવૃત્તિઓમાં ભાગ લેશે. નવી નીતિમાં ભારતીય જ્ઞાન પરંપરા પર ભાર આપવામાં આવશે. આ સાથે શિક્ષણનો ચહેરો બદલાશે.
નવી નિતીથી ટ્યુશન કલ્ચરને અંકુશમાં લેવાશે
ટ્યુશન કલ્ચરને નિયંત્રિત કરવા માટે પરીક્ષાની પેટર્ન બદલવામાં આવશે. કેમ કે, ટ્યુશન કલ્ચરને અંકુશ લેવું જરૂરી છે. જેમાં પ્રશ્નપત્ર બદલવામાં આવશે. હાલમાં JEE અને NEET પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની તૈયારી માટે કોચિંગ જરૂરી છે. નવી નીતિથી ટ્યુશન કલ્ચર પર અંકુશ આવશે. ખાસ કરીને ટ્યુશનને લઈને મોટી ફી વસુલવામાં આવી રહી છે.
રાજ્ય સરકાર પણ બાલમંદિર દ્વારા પ્રથમ પાંચ વર્ષમાં ફેરફાર તરફ
બાળકોની સ્ટડીના પ્રથમ પાંચ વર્ષનો રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક જાહેર કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર પણ બાલમંદિર દ્વારા પ્રથમ પાંચ વર્ષના તબક્કામાં બાળકોના સર્વાંગી વિકાસ માટે તબક્કાવાર આ નીતિના અમલીકરણ માટે અથાક પ્રયાસો કરી રહી છે. અલગ રીતે બાળકોને શિક્ષણ આપવામાં આવશે. સરકાર, સંચાલકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓના સંકલનથી ટૂંક સમયમાં આ નીતિના કારણે રીઝલ્ટ જોવા મળી શકે છે.