



- ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો.ઓ. બેન્કના સભાખંડમાં સહકારી મંડળીઓના હોદ્દેદારોનો સેમિનાર યોજાયો
- નાંદોદ – ગરુડેશ્વર તાલુકા ટીચર્સ ક્રેડિટ સોસાયટીને શ્રેષ્ઠ વહીવટ બદલ સન્માનિત કરાઈ
- ક્રેડિટ સોસાયટીઓ સહકારી ક્ષેત્રનો પાયો છે. -ઘનશ્યામભાઈ અમીન
- સહકારી મંડળીઓ લોકોને શાહુકારોના શોષણમાંથી બચાવી શકે છે.: અરુણસિંહ રણા
ગુજરાત રાજ્ય સહકારી સંઘ, ભરૂચ જિલ્લા સહકારી સંઘ તથા ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રેડિટ સોસાયટી કો.ઓ.ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો.ઓ. બેન્કના સભાખંડમાં જિલ્લાની કો.ઓ.ક્રેડિટ સોસાયટીઓ હોદ્દેદારોનો એક દિવસીય સેમિનાર યોજાયો હતો.
ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો.ઓ. બેન્કના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની અધ્યક્ષતામાં યોજાયેલ સેમિનારનો શુભારંભ કરાવતા રાજ્ય સહકારી સંઘના ચેરમેન ઘનશ્યામભાઈ અમીને ક્રેડિટ સોસાયટીઓને સહકારી ક્ષેત્રના પાયાની ઈંટ ગણાવી નાના ગામડાઓ સુધી નાના અને મધ્યમ વર્ગના લોકોને ધિરાણ કરી ક્રેડિટ સોસાયટીઓ મહત્વનું કામ કરતી હોવાનું જણાવ્યું હતું. સાથે સહકારી કાયદાઓ બદલાઈ રહ્યા છે ત્યારે કાયદાઓને સમજી વહીવટ કરવા તાકીદ કરી ધરમ કરતા ધાડ ન પડે તેની સાવચેતી રાખવા સૂચન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે કોઈ સહકારી આગેવાન એક સંસ્થામાં ડિસ્ક્વોલિફાઈ થાય તો અન્ય તમામ સહકારી સંસ્થાઓમાંથી પણ તેને દૂર કરવા માટેનો કાયદો હવે આવી રહ્યો છે.
ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો.ઓ. બેન્કના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ ઘનશ્યામભાઈ અમીનને ગુજરાતના સહકારી ક્ષેત્રના ભીષ્મપિતા તરીકે ઓળખાવ્યા હતા. તેમને વધુમાં કહ્યું હતું કે વ્યાજખોરોના દુષણને દૂર કરવા સહકારી ક્ષેત્રએ આગળ આવવું જોઈએ. નાના ધિરાણ અને સારા ધિરાણ કરી ક્રેડિટ સોસાયટીઓ લોકોને શાહુકારોના શોષણમાંથી બચાવી શકે છે.
સેમિનારમાં સતત ત્રીજી વખત વાગરા વિધાનસભા બેઠક પર વિજેતા થનાર ધારાસભ્ય તરીકે અરુણસિંહ રણાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે શ્રેષ્ઠ અને પારદર્શક વહીવટ બદલ ધી નાંદોદ- ગરુડેશ્વર તાલુકા ટીચર્સ કો. ઓ. ક્રેડિટ સોસાયટી લી. રાજપીપળાના હોદ્દેદારોનો ઘનશ્યામભાઈ અમીન અને અરુણસિંહ રણાના હસ્તે સન્માનિત કરાયા હતા.
સેમિનારમાં ભરૂચ જિલ્લા ક્રેડિટ સોસાયટી કો.ઓ. ફેડરેશનના પ્રમુખ અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો. ઓ. બેન્કના કન્સલ્ટન્ટ આર.પી. રાવલે કો.ઓ.ક્રેડિટ સોસાયટીના હિસાબો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ અવસરે જિલ્લા સહકારી સંઘના પ્રમુખ જયંતીભાઈ પટેલ, ઉપપ્રમુખ વત્સલાબેન, પૂર્વ પ્રમુખ ભરતભાઈ પટેલ, માનદ મંત્રી રવીન્દ્રસિંહ રણા, ગુજકોમસોલના ડિરેકટર ચંદ્રકાન્ત પટેલ, જિલ્લા ખરીદ વેચાણ સંઘના દિલીપભાઈ પટેલ સહિત સહકારી આગેવાનો અને 70 થી વધુ સહકારી મંડળીઓના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.