



-
અંકલેશ્વરમાં પુત્રીના લગ્ન પ્રસંગમાં સ્વ.માતા મૂર્તિમંત બની આર્શીવાદ આપ્યા
-
પિતાએ માતા વગર પુત્રીઓ ન પરણે માટે આબેહૂબ વેક્સ અને સિલિકોનની પ્રતિમા તૈયાર કરાઈ
-
માતાની વેકસની પ્રતિમા જોઈ પુત્રીઓનો ખુશીનો પાર ન રહ્યો હતો
-
આમંત્રિત મહેમાનો અને પરીજનોની આંખો માંથી વહી અશ્રુધારા
ભરત ચુડાસમા :
અંકલેશ્વરમાં પુત્રીઓના લગ્નમાં સ્વ.માતા મૂર્તિ સ્વરૂપે બની આર્શીવાદ આપ્યા હોવાની અનોખી ઘટના જોવા મળી છે.અંકલેશ્વર જાણીતા સામાજિક કાર્યકર અને બિલ્ડર પિયુષ પટેલની પત્નીનું 2 વર્ષ પૂર્વે અવસાન થયું હતું.બે પુત્રીઓના લગ્ન માતાની હાજરી વગર ન થાય તે માટે પિતાએ માતાની આબેહુબ વેક્સ અને સિલીકોનની રિયાલિસ્ટિક મૃતિ બનાવી લગ્નના સ્ટેજ પર મૂકી પુત્રીઓને અનોખી ભેટ આપી હતી.વડોદરા ફાઈન આર્ટસના કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી વેકસની મૂર્તિએ માતા જીવંત હોવાનો અનુભવ લોકોએ કર્યો હતો.
પત્નીની આબેહૂબ વેક્સ અને સિલિકોન મૂર્તિ તૈયાર કરાવી હતી
અંકલેશ્વરના પિયુષ પટેલ જેવો વ્યવસાયે બિલ્ડર અને સામાજિક કાર્યકર છે. તેઓના પત્ની સ્વ.દક્ષાબેનનું બે વર્ષ પૂર્વે અવસાન થયું હતું.હાલમાં તેઓની બે પુત્રી દ્રષ્ટિ અને સૃષ્ટિના લગ્નનો પ્રસંગ હોય પિતાએ પુત્રીઓને અનોખી ભેટ આપવાનું વિચાર્યું હતું. અંકલેશ્વરના પિયુષ પટેલે બંનેય પુત્રીઓના લગ્નના પ્રસંગમાં માતાની હાજરી રહે અને પુત્રીઓને માતા સાથે જ હોવાનો ભાષ રહે તે માટે પોતાના મિત્રના સહયોગથી વડોદરા ફાઈન આર્ટ્સ કોલેજના પ્રાધ્યાપક સંજય રાજા વર અને વિદ્યાર્થી વિભા પટેલની મદદથી પોતાની પત્નીની આબેહૂબ વેક્સ અને સિલિકોન રિયાલિસ્ટિક મૂર્તિ તૈયાર કરાવી હતી. સ્વ.દક્ષાબેન પટેલની આબેહૂબ મૂર્તિ બનાવતા 45 દિવસનો અથાક પરિશ્રમથી બની હતી.
માતાની વેકસની પ્રતિમા જોઈ પુત્રીઓનો ખુશીનો પાર ન રહ્યો હતો
આ મૂર્તિ જોતા જ જાણે સાચે જ સ્વ.દક્ષાબેન પટેલ ત્યાં બેઠેલા હોય એ રીતે તૈયાર કરવામાં આવી હતી. પુત્રીઓના લગ્ન સ્થળે સ્ટેજ ઉપર ગિફ્ટ કવરમાં રાખેલી સ્વ.દક્ષાબેનની મૂર્તિને પુત્રીઓ જ્યારે સ્ટેજ ઉપર આવી ત્યારે 1008 મહંત ગંગાદાસ બાપુ અને પિતા પિયુષ પટેલ પરદો ઉઠાવ્યો અને બંને પુત્રીઓ ખુશી સાથે આંખોમાં હર્ષનાં આંસુઓ છલકાઈ ગયા હતા. આ દ્રશ્ય જોઈને ત્યાં ઉપસ્થિત રહેલા સો આમંત્રિત મહેમાનો અને મિત્ર મંડળ અને સ્વજનો પણ ભાવુક બની ગયા હતાં.