



અફઘાનિસ્તાને બીજી T20માં પાકિસ્તાનને હરાવી શ્રેણીમાં 2-0થી લીડ મેળવી લીધી છે. શારજાહમાં 26 માર્ચે રમાયેલી T20 શ્રેણીની બીજી મેચમાં અફઘાનિસ્તાને પાકિસ્તાન પર 7 વિકેટે જીત નોંધાવી હતી. ટીમને મેચ જીતાડવામાં રહેમાનુલ્લા ગુરબાઝ, ઇબ્રાહિમ ઝદરાન અને ફઝલહક ફારૂકીનું વિશેષ યોગદાન રહ્યું હતું. પાકિસ્તાન પ્રથમ મેચમાં પણ હારી ગયું હતું. અફઘાનિસ્તાનના T20 ઈતિહાસમાં આ પ્રથમ વખત છે કે પાકિસ્તાન સામે સતત બે મેચ જીત્યા બાદ તેણે શ્રેણી પણ જીતી લીધી છે. હવે રાશિદ ખાનની ટીમ ટી-20 સિરીઝમાં પાકિસ્તાનને વ્હાઇટ વોશ કરવા પર રહેશે.
પાકિસ્તાનની ટીમ 130 રન જ બનાવી શકી હતી
શારજાહમાં રમાયેલી આ બીજી મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પાકિસ્તાને ટીમનું ખાતું ખોલાવ્યા વિના તેની પ્રથમ 2 વિકેટ ગુમાવી દીધી હતી. ઇમાદ વસીમ અને શાદાબ ખાનની ઇનિંગ્સને મિડલ ઓર્ડરમાં છોડી દેવામાં આવે તો બાકીના તમામ બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. ઇમાદ વસીમ 64 રન બનાવીને અણનમ રહ્યો હતો. જ્યારે કેપ્ટન શબાદ ખાને 32 રનની ઇનિંગ રમી હતી. આ બે સિવાય મોહમ્મદ હરિસ 15 અને તૈયબ તાહિરે 13 રન બનાવીને આઉટ થયા હતા. આ રીતે પાકિસ્તાને 6 વિકેટે 130 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી ફઝલહક ફારૂકી સૌથી સફળ બોલર રહ્યો, તેણે 2 વિકેટ લીધી. તેમના સિવાય નવીન-ઉલ-હક, રાશિદ ખાન અને કરીમ જનાતને 1-1 વિકેટ મળી હતી.
અફઘાનિસ્તાન 7 વિકેટે જીત્યું
131 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાન ટીમની શરૂઆત બહુ સારી રહી ન હતી. ટીમની પ્રથમ વિકેટ 30 રનમાં પડી હતી. ઇનિંગની શરૂઆત કરવા આવેલા ઉસ્માન ગની 7 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ આ પછી રહેમાનુલ્લા ગુરબાઝ અને ઈબ્રાહિમ ઝદરાને ચાર્જ સંભાળ્યો. બંનેએ અડધી સદીની ભાગીદારી કરીને ટીમને શરૂઆતના આંચકામાંથી બહાર કાઢી હતી. રહેમાનુલ્લાહ 44 રન બનાવીને આઉટ થયો હતો જ્યારે ઝદરાને 38 રનની ઇનિંગ રમી હતી. આ પછી નજીબુલ્લાહ ઝદરાન અને મોહમ્મદ નબીએ જવાબદારીપૂર્વક રમીને અફઘાનિસ્તાનને 7 વિકેટે જીત અપાવી હતી. મેચમાં શ્રેષ્ઠ બોલિંગ કરનાર ફઝહક ફારૂકીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.