



અત્યાર સુધીમાં 34 હજારથી વધુ લોકોએ એપ ડાઉનલોડ કરી,1100થી વધુ ફરિયાદનું ત્વરિત નિરાકરણ
દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજક્ષતિ સહિત તૂટેલાં કે નમેલાં થાંભલા, સ્પાર્કિંગ સહિતની ફરિયાદોનો તાકીદે નિકાલ આવે તે માટે ખાસ પ્રકારની ડીજીવીસીએલ એપ શરૂ કરવામાં આવી છે. જેમાં ગ્રાહક દ્વારા કોઇ પણ પ્રકારની ફરિયાદ ઓનલાઇન કરતાં તેનું નિયત સમયમાં નિરાકરણ લાવી શકાય તેવું અયોજન કરાયું છે. અત્યાર સુધીમાં 34 હજારથી વધુ લોકોએ ડીજીવીસીએલ એપ મોબાઇલમાં ડાઉનલોડ કરી 1100થી વધુ ફરિયાદ રજિસ્ટર કરાવી છે.જેનું ચોક્કસ સમયમર્યાદમાં નિરાકરણ લાવવામાં આવ્યું છે.
દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વરા વીજ સલામતી, વીજ વિક્ષેપ, વીજ ચોરી સંબંધિત ફરિયાદ નોંધણી તેમજ વીજ બીલ ચુકવણી સહિતની સુવિધા વીજગ્રાહકોને આંગળીના ટેરવે મળી રહે તે માટેે ખાસ ડીજીવીસીએલ મોબાઇલ એપ તૈયાર કરી છે.જેથી કે ગ્રાહકો ગમે ત્યાંથી તેમની ફરિયાદ ઓનલાઇન નોંધાવી શકે, ઉપરાંત કોઇ પણ વ્યક્તિ એપને સરળતાથી ચલાવી શકે અને એપના તમામ મુદ્દા સમજી શકે તે માટે એપ અંગ્રેજી સાથે ગુજરાતી ભાષામાં પણ ચલાવી શકાય તેવી સુવિધા રખાઈ છે.
વીજ ગ્રાહકો તેમના વીજબીલ ઓનલાઇન ભરવા સાથે કોઇ સ્થળે વીજપોલ તુટી ગયાં હોય કે નમી ગયાં હોય,અથવા તો કોઇ સ્થળે સ્પાર્કિંગનો પ્રશ્ન સર્જાયો હોય, ટ્રાન્સફોર્મર અંગે કોઇ સમસ્યા હોય તો આ એેપ થકી તેમના પ્રશ્નોનું નિરાકરણ આવી શકે છે. ગ્રાહક કોઇપણ વીજક્ષતિ અંગેનો ફોટો પાડીને એપમાં અપલોડ કરે ત્યારે તેમાં ગુગલ મેપની મદદથી લોકેશન ટ્રેસ થઇ જતું હોવાને કારણે વીજકર્મીઓ સરળતાંથી અને વહેલીતકે જે તે સ્થળે પહોંચી શકે છે.
વીજચોરીની માહિતી આપનારની વિગતો સુરક્ષિત રહેશે
ડીજીવીસીએલની એપનું 31 મી ઓગષ્ટે જ રિલોન્ચિંગ થયું છે. જેમાં દોઢ જ મહિનામાં 34 હજારથી વધુ લોકોએ એપ ડાઉનલોડ કરી છે.ગ્રાહકોની તમામ પ્રકારની સમસ્યાઓનું વહેલીતકે નિરાકરણ કેવી રીતે લાવી શકાય તે માટેના તમામ પાસા એપમાં આવરી લેવામાં આવ્યાં છે.ઉપરાંત વીજ ચોરી સહિતના મુદ્દે જો કોઇ વ્યક્તિ ઓનલાઇન ફરિયાદ કરે તો તેની સંપુર્ણ વિગત સુરક્ષિત રહે તેનું ચોક્કસ ધ્યાન રખાય છે.હાલમાં યુવાધનમાં આ એપનો ઉપયોગ વધુ જોવા મળ્યો છે.પી.પી.ચૌધરી,અધિક્ષક ઇજનેર,આઇટી વિભાગ,ડીજીવીસીએલ