



ભરૂચ જિલ્લામાં આજે ગુરૂવારે વાતાવરણમાં પલટા સાથે સૂસવાટા ભર્યા પવન ફૂંકાયાં હતાં. જ્યારે આકાશમાં વાદળોની ફોજ ઉતરી આવી હતી. જિલ્લામાં આજે અંક્લેશ્વર નેત્રંગ અને હાંસોટના કેટલાંક વિસ્તારોમાં છુટા-છવાયાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. ચોમાસાની ઋતુ પુરી થઇ ગયાં બાદ હવે જ્યારે શિયાળાના આગમનની રાહ જોવાઇ રહી છે. ત્યાર અચાનક વાતાવરણમા પલટા સાથે થયેલાં વરસાદથી ખેડૂતોના માથે પાક નુકશાનીને લઇને ચિંતાની લકીર ઉપસી આવી છે.
ભરૂચ જિલ્લાના ખેડૂતોએ ચોમાસામાં અતિવૃષ્ટીમાં પાક ધોવાણનું નુકશાન વેઠ્યું છે. સરકાર દ્વારા હજી તેમને સહાય ચુકવવાની કામગીરી શરૂ કરાઇ નથી. ત્યાં ખેડૂતોના માથે પુન: ચિંતાના વાદળો ઘુમવા લાગ્યાં છે. જિલ્લામાં આજે ગુરૂવારે નેત્રંગ, હાંસોટ તેમજ અંક્લેશ્વર પંથકમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. ઉપરાંત આગામી દિવસોમાં પણ જિલ્લામાં વરસાદ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઇ રહી છે. ત્યારે ચોમાસાના નુકશાનને ખેડૂતો હજી ભુલ્યાં નથી. ત્યાં આજે વરસેલાં વરસાદને કારણે નેત્રંગ પંથકમાં સોયાબીનની ખેતીથી સંકળાયેલાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ઉપરાંત કપાસમાં ઝીંડવું ખીલી ગયું હોઈ વરસાદથી તેમાં ભેજ થતાં કપાસને પણ નુકશાનની ભિતી ખેડૂતોએ વ્યક્ત કરી છે. જોકે ડાંગર અને તૂવેર જેવા પાકને હાલમાં કોઇ ખાસ અસર પડ તેમ ન હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.