



– આગ ઓલવવા જતા 2 ફાયર ટેન્ડર પણ ફસાયા
– ગેસ સપ્લાય બંધ કરાયા બાદ આસપાસની કંપનીઓના લાશ્કરોએ આગ પર કાબુ મેળવ્યો
દહેજ જીઆઇડીસી વિસ્તારમાં કડોદરા ગામ પાસે ઓએનજીસીની પાઇપલાઇનમાં શુક્રવારે સાંજના સમયે કોઇ કારણસર આગ ભભુકી ઉઠી હતી. આગની વિકરાળ જ્વાળાઓ આકાશમાં ઉંચે સુધી ઉઠતાં અંદાજે 10 કિમી દુરથી આગની ઘટના જોઇ શકાઇ હતી. જોકે ઘટનાને પગલે આસપાસની કંપનીઓના લાશ્કરોએ તુરંત સ્થળ પર દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો.
દહેજ આદ્યોગિક વસાહતમાં કડોદરા ગામ પાસે આવેલી યુપીએલ 12 કંપનીથી દોઢેક કિમી દુરથી પસાર થતી ઓએનજીસીની પાઇપલાઇનમાં આજે શુક્રવારે સાંજના સમયે કોઇ કારણેસર અચાનક આગ ભભુકી ઉઠી હતી. આગની જ્વાળાઓ એટલી પ્રચંડ હતી કે, આસપાસના ગામોના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. લોકોએ પોતાના ઘરના ધાબે ચઢી આગની ઘટનાને નિહાળી હતી. જોકે ઘટનાને પગલે આસપાસની કંપનીઓના લાશ્કરોએ તુરંત સ્થળ પર દોડી આવી આગને કાબુમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. ઓએનજીસી દ્વારા પણ તાકીદે પાઇપલાઇનનો પ્રવાહી બંધ કરવામાં આવતાં આગ વધુ પ્રસરી ન હતો. મોડી રાત્રે આગ એકંદરે કાબુમાં આવી હતી. જોકે આગ કેવી રીતે લાગી, ક્રુડ ઓઇલ ચોરી કરતી ટોળકીના કારસ્તાનના કારણે આગ ભડકી કે કેમ તે સહિતના અનેક પ્રશ્નો સર્જાયાં છે.