



ભરત ચુડાસમા : દેવીએ મહિષાસુરનો વધ કરવા માટે દુર્ગાનું સ્વરૂપ લીધું હતું. દુર્ગા સપ્તશતીમાં દેવીના આ અવતાર વિશે ઉલ્લેખવામાં આવ્યો છે. પૌરાણિક કથા અનુસાર મહિષાસુર નામના અસુરે સ્વર્ગ ઉપર અધિકાર કરી લીધો અને બધા દેવતાઓને ત્યાંથી ભગાડી દીધા. મહિષનો અર્થ ભેંસ થાય છે. મહિષાસુર પોતાની ઈચ્છા પ્રમાણે ભેંસનું સ્વરૂપ ધારણ કરી શકતો હતો. તેણે બ્રહ્માજીને પ્રસન્ન કરીને વરદાન પ્રાપ્ત કર્યું હતું કે કોઇપણ દેવતા અને દાનવ તેને પરાજિત કરી શકશે નહીં.
બધા દેવતા મળીને પણ મહિષાસુરનો સામનો કરી શક્યા નહીં. ત્યારે તેઓ શિવજી અને વિષ્ણુજી પાસે પહોંચ્યા, પરંતુ બ્રહ્માજીના વરદાનના કારણે ભગવાન શિવ અને વિષ્ણુ પણ મહિષાસુરનો વધ કરી શકતા નહોતા. ત્યારે બધા દેવતાઓના તેજથી દેવી દુર્ગા પ્રકટ થયાં.
શિવના તેજથી મુખ, યમરાજના તેજથી વાળ, વિષ્ણુજી દ્વારા હાથ, ચંદ્રથી વક્ષસ્થળ, સૂર્યથી પગની આંગળીઓ, કુબેરથી નાક, પ્રજાપતિથી દાંત, અગ્નિથી ત્રણેય નેત્ર, સંધ્યાથી ભૃકુટિ અને વાયુથી કાનની ઉત્પત્તિ થઇ. આ પ્રકારે દેવતાઓએ દેવીને પોત-પોતાની શક્તિઓ આપી હતી. ભગવાન શિવજીએ ત્રિશૂળ આપ્યું. અગ્નિદેવે પોતાની શક્તિદેવીને પ્રદાન કરી. ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર, વરુણદેવે શંખ, પવનદેવે ધનુષ અને બાણ, દેવરાજ ઇન્દ્રએ વજ્ર ને ઘંટ, યમરાજે કાલદંડ ભેટ કર્યું. પ્રજાપતિ દક્ષે સ્ફટિકની માળા, બ્રહ્માજીએ કમંડળ, સૂર્યદેવે પોતાનું તેજ પ્રદાન કર્યું. સમુદ્રદેવે આભૂષણ ભેટ કર્યા. સરોવરે ક્યારેય ન કરમાયે તેવી માળા, કુબેરદેવે મધથી ભરેલું પાત્ર, પર્વતરાજ હિમાલયે સવારી કરવા માટે સિંહ ભેટ કર્યાં. દેવતાઓ દ્વારા મળેલી આ શક્તિઓથી દુર્ગાજીએ મહિષાસુરનો વધ કર્યો હતો. મહિષાસુરનો વધ કરવાને કારણે દેવીને મહિષાસુરમાર્દિની કહેવામાં આવે છે.