



કોંગ્રેસ અને ભાજપ સહિત અન્ય પક્ષોએ પણ પોતાના ઉમેદવારોને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા
- આજે ફોર્મની ચકાસણી થશે અને 19 ઓક્ટોબરે ઉમેદવારો ફોર્મ પાછું ખેંચી શકશે
- કપરાડા માટે સૌથી ઓછા ચાર ઉમેદવારો રહ્યા
- ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કુલ 71 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં
ગુજરાતની આઠ બેઠકો પરની પેટાચૂંટણીમાં નામાંકન પત્રોની ચકાસણીને અંતે આ રાજકીય જંગમાં હવે કુલ 102 ઉમેદવારો રહ્યા છે. શનિવારે થયેલી ફોર્મ ચકાસણીની પ્રક્રિયા બાદ કુલ 135 ફોર્મ પૈકી 33 રદ ઠર્યા હતા. આ યાદી પ્રમાણે સૌથી વધુ ઉમેદવારો મોરબી બેઠક પર 20 નોંધાયા છે જ્યારે કપરાડા બેઠક પર સૌથી ઓછા ચાર ઉમેદવારો નોંધાયા છે. આ 102 ઉમેદવારોમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત રજિસ્ટર્ડ રાજકીય પાર્ટીના કુલ 27 ઉમેદવારો નોંધાયા છે જ્યારે 75 ઉમેદવારો અપક્ષ છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ડો. એસ મુરલીક્રિશ્નએ જાહેર કરેલી આ આખરી યાદી પ્રમાણે અબડાસા બેઠક પર 19, લીંબડી બેઠક પર 14 મોરબી બેઠક પર 20, ધારી બેઠક પર 12, ગઢડા બેઠક પર 13, કરજણ બેઠક પર 11, ડાંગ બેઠક પર 9 તથા કપરાડા બેઠક પર 4 ઉમેદવાર છે.
19 ઓક્ટોબરે ફોર્મ પાછું ખેંચી શકાશે
ગુજરાત વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણી માટે ઉમેદવારોના ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કુલ 135 ફોર્મ ભરાયાં હતાં, જેમાં 16 ઓક્ટેબરે એક જ દિવસમાં 71 ઉમેદવારે ફોર્મ ભર્યાં હતાં. 16 ઓક્ટોબર ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી બંને મુખ્ય પક્ષો કોંગ્રેસ અને ભાજપ સહિત અન્ય પક્ષોએ પણ પોતાના ઉમેદવારોને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. ફોર્મ ભરવાના છેલ્લા દિવસે અપક્ષોનો રાફડો ફાટ્યો હતો. 17 ઓક્ટોબરે આજે ફોર્મની ચકાસણી હાથ ધરાશે તેમજ 19 ઓક્ટોબરે ઉમેદવારો ફોર્મ પાછાં ખેંચી શકશે. ગુજરાતના મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસે પણ પુરજોશમાં બેઠકોનો દોર શરૂ કરી દીધો છે.ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોનું લિસ્ટ
બેઠક ભાજપના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવાર અબડાસા પ્રદ્યુમનસિંહ જાડેજા ડો.શાંતિલાલ સંઘાણી મોરબી બ્રિજેશ મેરજા જયંતીલાલ પટેલ ધારી જે.વી. કાકડિયા સુરેશ કોટડિયા કરજણ અક્ષય પટેલ કિરીટસિંહ જાડેજા ગઢડા આત્મરામ પરમાર મોહનલાલ સોલંકી કપરાડા જિતુ ચૌધરી બાબુભાઈ વરઠા ડાંગ વિજય પટેલ સૂર્યકાંત ગામિત લીંબડી કિરીટસિંહ રાણા કલ્પનાબેન ધોરિયા ફોર્મ ભરવાના છેલ્લા દિવસે 53 અપક્ષ ઉમેદવારે ફોર્મ ભર્યાં
રાજ્યમાં ખાલી પડેલી વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણીમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે 16 ઓક્ટોબરે કુલ 71 ફોર્મ ભરાયાં, જેમાં ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષોની સાથે મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતાં. હવે જોવાનું એ છે કે ફોર્મ ચકાસણી બાદ કેટલા ઉમેદવારો પોતાનું ફોર્મ પાછું ખેંચે છે, કારણ કે અપક્ષ અને અન્ય પક્ષોના ઉમેદવારો બંને મુખ્ય પક્ષોના ઉમેદવારોના મત વિસ્તારમાં ગાબડું પાડી શકે છે, જેથી હવે બંને મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસ દ્વારા અપક્ષ ઉમેદવારોને ફોર્મ પાછું ખેંચાવા માટે અનેક પ્રકારની આજીજીઓ કરવી પડશે. વિધાનસભાની પેટાચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે ત્યારે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે આઠ બેઠકો પર જોઈએ તો અબડાસામાં 9, લીંબડીમાં 17, મોરબીમાં-9, ધારી-4, ગઢડામાં-5, કરજણમાં 07, ડાંગ( અ.જ.જા)02 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતાં, એટલે કે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કુલ 53 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતાં.આઠ બેઠકની ચૂંટણીમાં આટલા પક્ષો મેદાનમાં
ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સહિત સમાજવાદી પાર્ટી, ભારતીય જન પરિષદ, બહુજન મહાપાર્ટી, બહુજન મુક્તિ પાર્ટી, અખિલ ભારતીય સભા, ભારતીય ટ્રાયબલ પાર્ટી, ઈન્ડિયન એલાયન્સ પાર્ટી અને નેશનલ કોંગ્રેસ પાર્ટી જેવા પક્ષોએ ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું છે.