



ભરૂચ સિવિલ હોસ્પિટલને ટેક ઓવર કરનાર વડોદરાની રૂદ્રાક્ષ એકેડમી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરશે, દર્દી તેમજ છાત્રોને હવે રાહત – દુષ્યંત પટેલ, ધારાસભ્ય, ભરૂચ
ભરૂચમાં મેડિકલ કોલેજની શરૂઆત થવી એ ખૂબ જ ગૌરવની વાત
ભરત ચુડાસમા : ભરૂચ જિલ્લો ઔદ્યોગિક રીતે ખૂબ વિકસીત જિલ્લો હોઇ ભરૂચમાં મેડિકલ કોલેજ બને તેેવું મારૂં એક સ્વપ્ન હતું. એન્જિનિયરિંગ કોલેજ તો ભરૂચમાં હતી જ પરંતુ હવે આપણને મેડિકલ કોલેજ મળી ગઈ તે આપણા ભરૂચ જિલ્લાવાસીઓ માટે ગૌરવની વાત છે. મેડિકલ અભ્યાસ માટે અન્ય તેમજ આજુબાજુના જિલ્લાઓ પર નિર્ભર રહેવું પડતું હતું. તેેઓ હવે ભરૂચમાં જ અભ્યાસ કરી શકશે. – દુષ્યંત પટેલ, ધારાસભ્ય, ભરૂચ.
ભરૂચ સિવિલમાં નિષ્ણાંત તબીબોની જગ્યાઓ ખાલી હોવાથી ઘણીવાર દર્દીઓને વડોદરા કે સુરત કે અન્ય જિલ્લાઓમાં રીફર કરવા પડે છે. ભરૂચમાં મેડીકલ કોલેજ પણ આવનારી હોવાથી સિવિલમાં સારવાર માટે આવતાં દર્દીઓને મેડીકલ કોલેજના પ્રોફેસર તથા વિદ્યાર્થીઓની સેવાનો પણ લાભ મળી શકશે. જેથી દર્દીઓના વડોદરા કે સુરત સુધીના ધકકા ઓછા થઇ જશે.ભરૂચમાં સિવિલનું ઘણા સમયથી રૂદ્રાક્ષ એકેડેમી પ્રાઈવેટ લિમિટેડ વડોદરા દ્વારા સંચાલન કરાઈ રહ્યું છે. રૂદ્રાક્ષ એકેડેમી દ્વારા જલ્દી મેડિકલ કોલજ શરૂ થાય તેની તૈયારીઓ પૂરજોશમાં કરાઈ રહી હતી.ત્યારે ગુજરાત સરકારની હેલ્થ પોલિસી – 2016 અન્વયે રૂદ્રાક્ષ એકેડેમી પ્રાઈવેટ લિમિટેડ વડોદરા સંચાલિત ભરૂચ સિવિલ ખાતે ડૉ.કિરણ સી પટેલ મેડિકલ કોલેજ અને રિચર્સ ઈન્સ્ટિયૂટ માટે વર્તમાન શૈક્ષણિક વર્ષ 2020-21 માટે MBBS વિદ્યાશાખાનો કોર્ષ 150 બેઠકોની પ્રવેશ ક્ષમતા સાથે શરૂ કરવાની નેશનલ મેડિકલ કમિશન,નવી દિલ્હી દ્વારા મંજૂરી મળી છે.
જે અંગે ટૂંક સમયમાં મેડિકલ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાનાર છે.અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, ભરૂચ સિવિલ હોસ્પિટલ જીલ્લાની એકમાત્ર મોટી સરકારી હોસ્પીટલ છે. જ્યાં ભરૂચના અંતરિયાળ ગામોમાંથી પણ દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. એટલું જ નહિં ભરૂચ જિલ્લો ઔદ્યોગિક રીતે વિકસીત હોવાથી ઉદ્યોગોમાં થતા અકસ્માતો તથા રોડ અકસ્માતોના દર્દીઓને પણ સિવિલ ખાતે લવાય છે. જોકે અત્યાર સુધી સિવિલમાં સાધનો અને તબિબ બંનેના અભાવના કારણે પુરતી સારવાર મળતી ન હતી. જેથી દર્દીઓને ના છૂટકે ભરૂચની ખાનગી હોસ્પિટલ અથવા તો સુરત કે વડોદરા વધુ સારવાર માટે રીફર થવું પડતું હતું જે હવે નહીં જવું પડે.