



વિશ્વમાં કોરોના ના દસરડીઓની પરિસ્થિતિ ધીમેધીમે સુધરી રહી છે. ભરૂચમાં કોરોના દર્દીઓની સંખ્યા 2500 ને પાર પહોંચી અને સાથે કોરોના સારવાર દરમ્યાન 300 થી વધુ દર્દીઓ મૃત્યુ પામતા તેની કોવીડ સ્મશાનમાં અંતિમક્રિયા કરવામાં આવી હતી. કોવીડ સ્મશાનના આંકડા અનુસાર ૩ મહિનામાં ૩૬૦ મૃતકોની અંતિમક્રિયા કરાઈ છે. સ્મશાન શરુ કરાયાના ૯૦ દિવસ બાદ શનિવારે સાંજ પછી એકપણ મૃત્યુ કોરોનથી ન થતા ચોક્કસ રાહતના સમાચાર ગણવામાં આવી રહ્યા છે.
જુલાઈ માસના અંતિમ તબક્કામાં કોરોના દર્દીઓ માટે વિશેષ કોવીડ સ્મશાન બનાવાયા બાદ મહત્તમ ૮ થી ૧૦ અંતિમક્રિયાઓ એક દિવસમાં કરાઈ હતી.
સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહથી કોરોના દર્દીઓના મૃત્યુનો દર ખુબ ઘટ્યો છે. સપ્ટેમ્બરના અંતિમ અને ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં રોજના ૨ થી ૩ દર્દીઓ સુધી મૃત્યુ નોંધ્યા બાદ શનિવારથી પરિસ્થિતિમાં ખુબ મોટો બદલાવ જોવા મળ્યો છે. શનિવાર સાંજથી કોવીડ સ્મશાનમાં નિવરવ શાંતિ છવાઈ છે અને લગભગ બે દિવસથી ચિતાઓ શાંત છે.
ભરૂચના કોવીડ સ્મશાન સંચાલક ધર્મેશ સોલંકીના જણાવ્યા અનુસાર શનિવાર સાંજે છેલ્લી ચિતા સળગ્યા બાદ કોવીડ સ્મશાનમાં કોરોના સારવાર દરમ્યાન મૃત્યુ પામ્યા હોય એવા એકપણ દર્દીનો મૃતદેહ લવાયો નથી. ભરૂચમાં સરેરાશ દર્દીઓની સંખ્યા દરરોજ ૧૫ આસપાસ નોંધાઈ રહી છે સામે મૃતકઆંક શૂન્ય સુધી પહોંચતા રિકવરી રેટમાં ખુબ સારું પરિણામ મળ્યું છે તેમ કહી શકાય.