



ભરત ચુડાસમા : અંકલેશ્વર નગર પાલિકાના પ્રમુખ માટે કાર ખરીદવાના મામલે પ્રમુખ, ઉપપ્રમુખ સહિત ભાજપના 19 સભ્યોને મ્યુનિસિપલ કમિશનરે નોટિસ ફટકારી સસ્પેન્ડ કેમ ન કરવા તેનો જવાબ માંગતા ચકચાર મચી છે. સ્થાનિક કક્ષાએ 10 લાખની મર્યાદા છતાં મ્યુનિસિપલ કમિશનરની પરવાનગી વગર સ્થાનિક બોર્ડ 18 લાખની મોંઘી કાર ખરીદી લેતા વિપક્ષના નેતા ભુપેન્દ્ર જાનીની ફરિયાદ બાદ પ્રમુખ-ઉપપ્રમુખ સહીત 19 સભ્યોને નોટિસ મળી છે.
અંકલેશ્વર નગર સેવા સદનની વર્ષ 2017ની 30 જાન્યુઆરીએ સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં પ્રમુખ માટે નવી કાર ખરીદી કરવા ઠરાવ કરવામાં આવ્યો હતો. આ ઠરાવને શાસક પક્ષ ભાજપના 19 સભ્યોએ બહાલી આપી હતી. જો કે A અને B કેટેગરીની નગરપાલિકા માટે રૂપિયા 10 લાખની મર્યાદા રખાઈ છે. 10 લાખનથી મોટી રકમની કાર ખરીદી માટે મ્યુનિસિપલ કમિશનરની પૂર્વ મંજૂરી જરૂરી છે. નિયમ હોવા છતાં પૂર્વ મંજૂરી વિના જ રૂપિયા 10 લાખથી વધુની કિંમતની કાર ખરીદવામાં આવી હતી. 18 લાખનો ખર્ચ સ્વભંડોળમાંથી કરી નાખવામાં આવતા વિપક્ષ કોંગ્રેસના નેતા ભુપેન્દ્ર જાનીએ મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ કરી હતી. ફરિયાદ સ્વીકારી મ્યુનિસિપલ કમિશનરે અંકલેશ્વર નગર પાલિકાના પ્રમુખ- ઉપ પ્રમુખ સહિત ભાજપના 19 સભ્યોને નોટિસ ફટકારી સસ્પેન્ડ કેમ ન કરવા તેનો જવાબ માંગ્યો છે અને આ મામલે તારીખ 5 નવેમ્બરે જવાબ રજુ કરવા આદેશ કરવામાં આવ્યો છે.
અંકલેશ્વર નગરપાલિકાના વિપક્ષના નેતા ભુપેન્દ્ર જાનીએ જણાવ્યું હતું કે આ અંકલેશ્વર પાલિકાના વહીવટમાં ભ્રષ્ટાચાર ઉજાગર કરતો ચુકાદો ગાંધીનગર મ્યુનિસિપલ કચેરીએ આપ્યો છે. આ બાબતે અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ દક્ષાબહેન શાહ જણાવી રહ્યા છે કે અગાઉના પ્રમુખે ખરીદેલી કારનો વિવાદ છે. આ મામલે હજુ 5 નવેમ્બરે સુનાવણી હાથ ધરાશે, જેમાં તેઓ દ્વારા દસ્તાવેજો અને જવાબ રજુ કરાશે. ઉલ્લખેનીય છે કે કોરોનાને કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પછી ઠેલાઈ છે, પરંતુ આ પ્રકારના પ્રજાના નાણાંના વ્યયના આક્ષેપના વિવાદો શાસકોની છબી ખરડી રહ્યા છે, ત્યારે કમિશનરના નિર્ણય ઉપર તમામની મીટ મંડાઈ છે.