



- નેત્રંમ પ્રોજેક્ટ હેઠળ લગાવેલાં સીસીટીવી કેમેરાથી સગડ મળ્યાં
- GNFC રોડ પર કારમાંથી 80 હજારની બેગ ચોરીની તપાસમાં કડી મળી
ભરૂચ અને સૂરતમાં છેલ્લાં દશ મહિનામાં કાર-રીક્ષમાંથી રૂપિયા ભરેલી બેગોની ચીલઝડપ કરનારી ત્રીચી ગેંગના 4 પૈકી 3 સાગરિતોને સી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યાં છે. ત્રણ દિવસ પહેલાં જીએનએફસી રોડ પર આવેલી આનંદ રેસ્ટોરન્ટ પાસે કારમાંથી 80 હજાર ભરેલી બેગ ચોરી થવાની ઘટનાની તપાસમાં ત્રીચી ગેંગના સગડ મળતાં પોલીસે ત્રણેયની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના જીએનએફસી રોડ પર ત્રણ દિવસ પહેલાં એક શખ્સે તેની કાર રોડ પર પાર્ક કરીને માવો લેવા ગયાં હતાં. તે વેળાં તેમની કારમાંથી કોઇ ગઠિયાએ 80 હજાર રૂપિયા ભરેલી બેગ ચોરી કરી ગયાં હતાં. ઘટનામાં ભરૂચ સી ડિવિઝન પોલીસે નેત્રંમ પ્રોજેક્ટ અંતર્ગત લગાવયેલાં સીસીટીવીના ફૂટેજના આધારે ગઠિયાઓની વિગતો મેળવવાની કવાયત હાથ ધરતાં બે બાઇક પર ચાર શખ્સોએ આવી કારસાને અંજામ આપ્યો હોવાનું માલુમ પડ્યું હતું.
બાઇકના નંબરના આધારે તપાસ કરતાં બાઇકના માલિકે થોડા દિવસ પહેલાં જ તમીલનાડુના એક શખ્સને વેચી હોવાનું જણાવતાં ટીમે તેના સગડ મેેળવતાં ટોળકીના 3 સાગરીતો સુભ્રમણ્યમ સુગૈયાન ત્રીપદી નાયડુ, દિપક નાગરાજ રાજુ નાયડુ તેમજ રમેશ સુરેશ નાયડુ પોલીસના હાથે ઝડપાઇ ગયાં હતાં. તેમની પ્રાથમિક પુછપરછમાં તેઓએ કબુલાત કરી હતી કે, તેમણે ભરૂચમાં 3, અંક્લેશ્વરમાં 2, નવસારીમાં 1 અન કામરેજ ખાતે 1 એમ કુલ 7 જેટલી ચીલઝડપની ઘટનાઓને અંજામ આપ્યો હતો.