



ભરૂચ પાલિકાના વિરોધ પક્ષના સલિમ અમદાવાદી, સમસાદ અલી સૈયેદ અને હેમેંદ્રભાઇ કોઠીવાલા એ પાલિકાના પ્રમુખને રજુઆત કરી હતી.જેમાં જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન ધોવાઈ જતા રોડ પર ખાડાઓના કારણે વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યાં છે.પાલિકામાં રાજય સરકાર તરફથી સ્વર્ણિમના 5 કરોડ,15 નાણાં પંચના 6 કરોડ અને રોડ રસ્તા રીપેરીંગના 1.20 કરોડની મળીને કુલ 12.20 કરોડની ગ્રાન્ટ ત્રણ મહિનાથી આવીને પડી છે.
પરંતુ પાલિકા છતે પૈસે લાચારી ભોગવી રહી છે અને ગ્રાન્ટ વપરાતી નથી.પાલિકા પાસે વિવિધ ગ્રાન્ટો હોવા છતાં તેનો ઉપયોગ થતો નથી.જે મામલે વિપક્ષના સભ્યોએ પાલિકા પ્રમુખને રજૂઆત કરીને 10 દિવસમાં ગ્રાન્ટનો શહેરના વિકાસના કામોમાં ઉપયોગ કરાય તેવી માગ કરી હતી.જો અંગે કોઈ યોગ્ય નિર્ણય નહીં લેવાય તો વિપક્ષે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
પાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલાએ જણાવ્યું હતું કે,સ્વર્ણિમ અને રોડ રસ્તાની ગ્રાન્ટનું આયોજન કરાયુ છે. 15 માં નાણાં પંચની ગાઈડલાઈન આવતા તેમાંથી વિવિધ કામો હાથ ધરાશે.પાલિકાના 44 સભ્યો વિસ્તારના કામો પ્રત્યે પુરી નિષ્ઠા બતાવે છે.આગામી સમયમાં પણ પાલિકા નગરનો વિકાસ થાય તેવી રીતે કામગીરી કરશે. આગેવાનોએ પ્રમુખ સમક્ષ વહેલી તકે કામગીરી પુરી કરવા રજુઆત કરી હતી.