



કેમિકલ ટેન્કમાં પ્રેશર વધતા ધડાકા સાથે ટેન્ક ફાટી જતા દુર્ઘટના થઇ
ભરત ચુડાસમા – ભરૂચ જિલ્લાની ઝઘડિયા GIDCની કેમિઓર્ગેનિક કેમિકલ કંપનીમાં સોમવારે મોડી રાત્રે ટેન્કમાં પ્રેશર વધી જતા બ્લાસ્ટ થયો હતો. જેમાં એક કામદારનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં ઝઘડિયા પોલીસ દોડી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી હતી.
કામદારના માથાના અને છાતીના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચતા મોત
મૂળ ઉત્તરપ્રદેશના મુંડેરાનો રહેવાસી અનુપ સિંધાસન પાંડે(ઉં.24) કેમિઓર્ગેનિક કેમિકલ કંપનીમાં એચ.કે. ફેબ્રિકેશન નામના કોન્ટ્રાક્ટર હેઠળ કામ કરતો હતો. સોમવારે મોડી રાત્રે અચાનક કેમિકલના ટેન્કમાં પ્રેશર વધી જતા બ્લાસ્ટ થયો હતો જેમાં કામદાર અનુપના માથાના અને છાતીના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. કામદાર અનુપ સિંધાસન ઝઘડિયાની કેમિકલ ઓર્ગેનિક કંપનીમાં નવા પ્રોજેકટમાં કામગીરી કરી રહ્યો હતો. ઘટનાને પગલે ઝઘડિયા પોલીસ સ્થળ ઉપર દોડી ગઇ હતી અને મામલે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
ફાયર સેફ્ટીના નિયમોનું પાલન થતું નથી
ઝઘડિયા GIDCમાં આ પ્રકારે બ્લાસ્ટ થવાની ઘટનાઓ અવારનવાર બને છે અને કામદારો મૃત્યુ પામે છે. તેમ છતાં ફાયર સેફ્ટીના નિયમોનું કડકપણે પાલન કરવામાં આવતુ નથી.