



- ઝઘડિયા GIDCના ઉદ્યોગો દ્વારા કાંસમાં પ્રદુષિત પાણી છોડાયુ હતુ
- વહીવટી તંત્રને અગાઉ ફરિયાદ કર્યા બાદ પણ કોઇ કાર્યવાહી નહી
ઝઘડિયા જીઆઇડીસીના ઉદ્યોગો દ્વારા ગત રવિવાર અને સોમવારના રોજ મોટી માત્રામાં વરસાદી કાંસમાં છોડવામાં આવેલ પ્રદૂષિત પાણી દુમાલા બોરીદ્રા બાદ હવે ગોવાલીની સીમમાં ખાડી કોતર વાટે પહોંચ્યું છે જેથી હજારો માછલીઓના મોત થયા છે સાથે સાથે ખેતીની જમીનને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
ઝઘડીયા જીઆઇડીસી માં આવેલા ઉદ્યોગના સંચાલકોએ ગત રવિવાર અને સોમવારના રોજ ગેરકાયદેસર રીતે ચોરી છુપે ઝઘડિયાના કોઈ ઉદ્યોગ દ્વારા તેણે ગેરકાયદેસર સંગ્રહિત કરેલ પ્રદૂષિત પાણી જીઆઇડીસીના વરસાદી કાંસ મારફતે જાહેરમાં છોડી દેવામાં આવતા એ પાણી જીઆઇડીસી થઈ દુમાલા બોરીદ્રા બાદ હવે ગોવાલી ગામની સીમમા ફરી વળ્યા છે, જેના કારણે ગોવાલી ગામની ખાડી કોતર માં વહેતા પાણીના જળચર જીવો મોટી માત્રામાં મરણ થયા છે. પ્રદૂષિત પાણીના કારણે હજારો માછલીઓના મોત થયા છે.
પ્રદૂષિત પાણી ગોવાલી સુધી પહોંચતાં ગામના સરપંચે જીપીસીબી તથા જીઆઇડીસીની મોનીટરીંગ ટીમને ફરિયાદ કરવામાં આવતા જવાબદાર વિભાગ દ્વારા ફક્ત પાણીના નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી હોય તેવું સ્પષ્ટપણે જણાય છે. છેલ્લા કેટલા દિવસથી ખેડૂતોને ત્રાસ આપતાં જીઆઇડીસીના ઉદ્યોગ સંચાલકો પર હજી સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી.
જીઆઇડીસીના પ્રદૂષિત પાણીને અસર કરતાં ગામોના સરપંચો હવે એક જૂટ થઈ ઝઘડિયા જીઆઇડીસીના ઉદ્યોગ સંચાલકો સામે મોરચો માંડવાના મૂડમાં દેખાઈ રહ્યાછે, જેનું કારણ એ છે કે સરકારના જવાબદાર વહીવટી તંત્રને વારંવાર ફરિયાદ કર્યા બાદ પણ ઉદ્યોગ સંચાલકોનો પક્ષ લઈ કોઈ પગલાં તેમની સામે ભરવામાં આવતા નથી.