



અમદાવાદમાં ગર્ભાશયના બદલે સાડા સાત મહિના સુધી મોટા આંતરડા પર વિકસેલા બાળકનો જન્મ
અમદાવાદના તબીબોએ અત્યંત દુર્લભ કહી શકાય એવા કિસ્સામાં માતાના પેટમાં રહેલા બાળકનો સુરક્ષિત જન્મ કરાવ્યો છે. સામાન્ય સંજોગોમાં સ્ત્રીબીજ અને શુક્રાણુ બંને અંડવાહિની (ફેલોપીયન) ટ્યૂબમાં ભેગા મળી ગર્ભ બનાવે છે. તે ગર્ભ 2થી 5 દિવસે ગર્ભાશય સુધી પહોંચે છે અને ત્યારબાદ ગર્ભાશયમાં 9 મહિના સુધી તબક્કાવાર બાળકનો વિકાસ થાય છે જ્યારે આ દુર્લભ કિસ્સામાં બાળકનો વિકાસ ગર્ભાશયમાં થવાને બદલે માતાના પેટના મોટા આંતરડાં ઉપર થયો હતો. આવો અનોખો કિસ્સો લાખોમાં એક જોવા મળતો હોય છે. આ કેસ સ્ટડી મેડિકલ જર્નલમાં પ્રસિદ્ધ કરાશે.
ઓપરેશન થિયેટરમાં પેટના ભાગે ચિરો મૂક્યો ત્યારે ખ્યાલ આવ્યો
ખેડા જિલ્લામાં રહેતા 30 વર્ષીય શ્વેતાબેનના ઘરે દુર્લભ બાળકનો જન્મ થયો છે. સાડા સાત મહિના સુધી આ બાળકનો વિકાસ મોટા આંતરડામાંથી પોષણ મેળવીને થયો છે. 15 ઓક્ટોબરે અમદાવાદના સિનિયર ગાયનેક તબીબ ડૉ. તેજસ દવે અને ડૉ. જિજ્ઞા દવેએ સિઝેરિયન માટે શ્વેતાબેનને ઓપરેશન થિયેટરમાં લઈ પેટના ભાગે ચિરો મૂક્યો ત્યારે ખ્યાલ આવ્યો કે, સંપૂર્ણ પ્લાસેન્ટા (મેલી-ઓળ) પેટમાં, ગર્ભાશયની બહાર આવેલ હતી અને બાળક પણ ગર્ભાશયની બહાર વિકસીત થયેલ હતું. મેડિકલ સાયન્સ મુજબ આવી સ્થિતિ બાળક અને માતા બંને માટે જોખમરૂપ હોય છે ત્યારે આ બંને ડૉક્ટરોએ અનુભવના આધારે હાઈ રિસ્ક ડિલેવરી કરાવવામાં સફળતા મેળવી હતી. એટલું જ નહીં માતાના ગર્ભાશયને પણ સુરક્ષિત રાખ્યું હતું.
ડિલિવરીમાં ત્રણ કલાકનો સમય લાગ્યો
આ અંગે ડૉ. તેજસ દવેએ કહ્યું કે, સામાન્ય સંજોગોમાં પ્લાસેન્ટા અને બાળક ગર્ભાશયની અંદર હોય છે જ્યારે આ કિસ્સામાં પ્લાસેન્ટા અને બાળક બંને ગર્ભાશયની બહાર મોટા આંતરડા સાથે જોડાયેલા હતા. આવી સ્થિતિમાં બાળકનો જન્મ થવો રેર છે. ડૉ. જિજ્ઞા દવેએ કહ્યું કે, સિઝેરિયન કરી ડિલિવરી કરાવતા લગભગ 20 મિનિટનો સમય લાગતો હોય છે, પરંતુ આ ડિલિવરીમાં ત્રણ કલાકનો સમય લાગ્યો હતો. એનેસ્થેટિસ ડૉ. સંજય પાંડેના સહયોગથી માતા અને બાળક બંનેને બચાવવા મદદ મળી હતી.
એબ્ડોમિનલ પ્રેગ્નન્સીમાં 40 ટકા માતા મૃત્યુદર છે તેમજ 70 ટકા નવજાત મૃત્યુદર છે. ખૂબ રેર કિસ્સામાં ડિલિવરી બાદ બાળક સ્વસ્થ અને જીવીત રહે છે.
સિવિલ હોસ્પિટલ ગાયનેક વિભાગના વડા ડૉ. એ.યુ.મહેતાએ કહ્યું કે, સિવિલમાં વર્ષે સાતથી આઠ હજાર નોર્મલ અથવા સિઝેરિયન ડિલિવરી થાય છે. મારા ત્રીસ વર્ષના અનુભવમાં અત્યાર સુધી એબ્ડોમિનલ પ્રેગ્નન્સીના 2થી 3 કેસ જોયા છે. આ ખૂબ જ રેર જોવા મળતી ડિલિવરી છે.
ગર્ભાશયની દીવાલ તોડી ગર્ભ મોટા આંતરડા સાથે ચોંટ્યો
સ્ત્રીઓમાં બે ફેલોપિયન ટ્યુબ હોય છે અને બેમાંથી કોઈ પણ એક જ ટ્યુબમાં સ્ત્રીબીજ બેઠું હોય છે. શુક્રાણુ તે બીજ સાથે ટ્યુબમાં પ્રવેશે છે અને અંડબીજને ફલિત કરવાની રેસમાં આગળ વધે છે. આ કિસ્સામાં ફલિત થયેલો ગર્ભ ગર્ભાશયની દીવાલ તોડીને મોટા આંતરડા પર આવીને ચોંટી ગયો હતો. ફિટલ મેડિસિન એક્સપર્ટ પાસે તપાસ કરાવતા સેન્ટ્રલ પ્લાસેન્ટા પ્રિવિયા હોવાનું નિદાન થયું હતું અને તેની સાથે ગર્ભાશયમાં સાત સે.મી.ની લોહીની ગાંઠ હતી. આ દર્દીને 7.5 મહિને પેટમાં દુખાવો ઉપડતા ઓપરેશન કરવાનું નક્કી કર્યુ
આવા કેસમાં આ કારણોની સંભાવના હોઈ શકે છે
- આઈ પીલ અથવા ઈમરજન્સી કોન્ટ્રાસેપ્શન પીલ (ગર્ભનિરોધક ગોળી) લેવાના કારણે
- ફેલોપિયન ટ્યુબમાં ટીબીનો ચેપ અથવા પેટના નીચેના ભાગમાં ઈન્ફેક્શન થયું હોય તો.
- ફેલોપિયન ટ્યુબમાં પહેલા ક્યારેક સર્જરી થઈ હોય તો.
- અગાઉ પણ આવી એક્ટોપિક પ્રેગ્નન્સી થઈ હોય તો.