




સીએ બનવા માંગતા વિદ્યાર્થીઓએ હવે ધોરણ 12 સુધી રાહ જોવી નહીં પડે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન્ડિયાએ તેમાં કેટલાંક સુધારા કર્યા છે. જેથી હવે સીએ બનવા માંગતા વિદ્યાર્થીઓ ધોરણ 10 પછી સીએ ફાઉન્ડેશન કોર્સ માટે રજિસ્ટ્રેશન કરાવીને છ મહિના પહેલા પરીક્ષા આપી શકશે. આમ, વિદ્યાર્થીઓને ધોરણ 12 પછી નવેમ્બર મહિના સુધી રાહ જોવી નહીં પડે અને મે મહિનામાં જ પરીક્ષા આપી શકશે
સીએ ફાઉન્ડેશન કોર્સમાં સુધારા વધારા કરીને, નવા સુધારા પ્રમાણે જે વિદ્યાર્થીએ ધોરણ 10 પાસ કરેલું હોય તે વિદ્યાર્થી સીએના ફાઉન્ડેશન કોર્સમાં પ્રોવિઝન રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ માટેની જરૂરી માર્ગદર્શિકા પણ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બહાર પાડી દેવાઈ છે. આમ આ સુધારા વધારા થતાં વિદ્યાર્થીઓ ધોરણ 10 પાસ કરીને આઇસીએઆઇ રજિસ્ટ્રેશન કરાવી શકશે. અત્યાર સુધી આ રજિસ્ટ્રેશન ધોરણ 12 પછી કરી શકાતું હતું.
કેવી રીતે 6 મહિના વહેલા CA બનશે?
અત્યાર સુધી ધોરણ 12ના પરિણામ બાદ સીએ ફાઉન્ડેશનમાં રજિસ્ટ્રેશન કરાવી નવેમ્બર પરીક્ષા આપવાની થતી હતી. પરંતુ હવે વિદ્યાર્થી ધોરણ 10 પછી રજિસ્ટ્રેશન કરાવે તો ધોરણ 12 પછી તરત જ મે મહિનામાં પરીક્ષામાં બેસીને 6 મહિનાનો સમયગાળો બચાવી શકશે.