



- ગુરુવારે જવાનનો નશ્વરદેહ વતનમાં લવાશે ત્યાર બાદ ગાર્ડ ઓફ ઓનર આપીને તેમના અંતિમ સંસ્કાર કરાશે
- કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
જમ્મુ કાશ્મીરમાં દેશની સુરક્ષામાં રહેલા રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના ચોરવીરા ગામના જવાન રઘુભાઈ બાવળીયા ફરજ દરમિયાન ગોળી વાગતાં શહીદ થયાં છે. ત્યારે પોતાનો દિકરો દેશની રક્ષા કાજે પોતાના પ્રાણનું બલિદાન આપીને શહીદ થયો એવા સમાચાર સાંભળીને તેમનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. તે ઉપરાંત સમગ્ર પંથકમાં પણ શોકની લાગણી પ્રસરી ગઈ છે. જમ્મુ કાશ્મીરમાં દુશ્મનો સામે લડતાં લડતાં રઘુભાઈને ગોળી વાગતાં તેઓ શહીદ થયાં છે. ગુરુવારે આ જવાનનો નશ્વરદેહ તેમના વતનમાં લાવવામાં આવશે. ત્યાર બાદ ગાર્ડ ઓફ ઓનર આપીને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
આ જવાનની શહીદીને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે ટ્વિટર પર ટ્વિટ કરી હતી કે જમ્મુ કાશ્મીરમાં માતૃભૂમીની રક્ષા કરતા ચોટીલાના ચોરવીરા ગામના રઘુભાઈ બાવળીયા શહીદ થતા દુ:ખી હૃદય સાથે અશ્રુપૂરિત શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. દેશ માટે બલિદાન આપનાર આ વીર જવાનના આપણે સર્વે હંમેશા ઋણી રહીશું. પ્રભુ એમના દિવ્ય આત્માને શાંતિ અને પરિજનોને શક્તિ અર્પે.
જ્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ આપણા આ જવાનને ટ્વિટર પર ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે ટ્વિટર પર ટ્વિટ કરીને કહ્યું હતું કે શહાદતને સલામ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ચોરવિરા ગામના વતની, વીર જવાન રઘુભાઈ બાવળિયા જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવતા, માં ભોમની રક્ષાકાજે શહીદ થયા છે.. ઈશ્વર તેમના આત્માને શાંતિ પ્રદાન કરે અને પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે..