



ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ના નિવાસ સ્થાને શક્તિ વંદના કાર્યક્રમમાં અણનમ કોરોના યોદ્ધા તરીકે સન્માનિત વડોદરામાં સયાજી હોસ્પિટલ ખાતે એનેસ્થેટિસ્ટ તરીકે કાર્યરત ડો.પીનલ બુમિયાએ, દીકરીઓને ખૂબ ભણાવો અને મજબૂત રાષ્ટ્ર માટે શક્તિશાળી બને એ રીતે દીકરીઓનો ઉછેર કરો એવી લાગણી વ્યક્ત કરી છે. દીકરીઓ ને ઉડવા માટે આકાશ આપો એવા લાગણીસભર શબ્દો સાથે એમણે જણાવ્યું કે સમાજે નારી માત્રનું એટલે કે પ્રત્યેક સ્ત્રીનું સન્માન જાળવવું જોઈએ. ભારતીય સંસ્કૃતિ એ નારી ની ઓળખ શક્તિ તરીકે કરી છે, એ ભાવના સમાજમાં વ્યાપક બને તે માટે આવા કાર્યક્રમો જરૂરી છે.
મુખ્યમંત્રીશ્રી ના નિવાસ સ્થાને આયોજિત શક્તિ વંદના કાર્યક્રમમાં આમંત્રિત વડોદરાના ડો. પિનલે સમયાંતરે પોતાના માસૂમ બાળકથી અને પરિવાર થી દુર રહીને કોવિડ ના દર્દીઓની સારવારમાં યોગદાન આપ્યું છે. બાળક થી દુર રહી કોવિડ ની ફરજ બજાવવાની બાબતની સમાજમાં કોઈએ ટીકા કરી કરી છે તો ઘણા લોકોએ મારી કર્તવ્ય નિષ્ઠાને વખાણી છે: ડો.પીનલ.
કોરોના ની ફરજ દરમિયાન આ તબીબ બે વાર સંક્રમિત થયાં.
હાલમાં નવરાત્રિને અનુલક્ષીને મુખ્યમંત્રીશ્રી ના નિવાસ સ્થાને નારી શક્તિના પ્રેરક અભિવાદન નો શક્તિ વંદના કાર્યક્રમ ચાલી રહ્યો છે. તેમાં આજે રાજ્યની સરકારી હોસ્પિટલોમાં કોરોના વોરિયર તરીકે ખૂબ જ ઉમદા કામ કરનારા અમદાવાદ, સુરત, ભાવનગર, મહેસાણા અને વડોદરાના 6 કાર્ય નિપુણ મહિલા તબીબોને બોલાવવામાં આવ્યા. જેમાં સયાજી હોસ્પિટલના એનેસ્થેટિસ્ટ ડો.પીનલ રાજ બુમિયાનો સમાવેશ થાય છે. બે વર્ષના માસૂમ બાળકના માતા એવા આ મહિલા તબીબ લગભગ કોરોના મહામારી ની શરૂઆત થી જ ગંભીર દર્દીઓની આઇસીયુ કેર સાથે સંકળાયેલા રહ્યાં છે. તેઓ આ દરમિયાન બે વાર કોરોના થી જાતે સંક્રમિત થઈને રીકવર થયા પછી પાછા નિર્ભયતાપૂર્વક કોરોના ના દર્દીઓની સેવા કરતાં રહ્યાં છે.
આ સમય ગાળામાં તેઓને સહુની સલામતી માટે પોતાના નાના બાળકથી અને પોતાના પરિવાર થી સમયાંતરે દૂર રહેવું પડ્યું છે. તેમણે માત્ર પોતાનો પરિવાર નહિ પણ પાડોશીઓ પણ કોરોના સામે સલામત રહે તે માટે લગભગ એકલા રહેવા નું પસંદ કર્યું છે. આમ ફરજને અગ્રતા આપીને તેઓ ઘર, પરિવાર અને સમાજ થી સમયાંતરે વેગળા રહ્યાં છે. હવે ડિસેમ્બરમાં તેઓ ફરી એકવાર કોરોના વોર્ડના આઈસીયુમાં ફરજ બજાવશે.
પોતાના અનુભવો વર્ણવતા તેઓએ જણાવેલ કે, મેં સયાજી હોસ્પિટલ ઉપરાંત અમદાવાદની સરકારી હોસ્પિટલમાં અને જી.એમ.ઇ.આર.એસ.,ગોત્રી એમ કુલ ચાર રાઉન્ડમાં કોવિડ દર્દીઓના વેન્ટિલેટર કેર ની ફરજો બજાવી છે. અમારું મુખ્યકામ કોવિડ આઇસીયુ માં સારવાર હેઠળના દર્દીઓની વેન્ટિલેટર કેર નું છે. આ ગંભીર દર્દીઓને કેવી રીતે વેન્ટિલેટર સારવાર થી ઉગારવા એની તબીબી વ્યૂહ રચના સાથે અમારે કામ કરવાનું હોય છે. વધુમાં તેમણે જણાવ્યું કે નોન કોવિડ ડયુટી દરમિયાન પણ કોવિડ સગર્ભાની શસ્ત્રક્રિયા થી પ્રસૂતિ કે કોઈ ઇજાગ્રસ્ત કોવિડ પોઝિટિવ હોય અને એની સર્જરી કરવાની હોય તો અમારે એનેસ્થેસિયા નું મેનેજમેન્ટ કરવાનું હોય છે. એટલે કોવિડ મહામારી ની શરૂઆત થી લગભગ આજ દિન સુધી હું કોવિડ કેર સાથે સંલગ્ન રહી છું. અમે જે તબીબો અને નર્સિંગ સ્ટાફ કોવિડ કેર નું કામ કરતા રહ્યા એ બધામાં મારું બાળક માત્ર બે વર્ષનું છે, પરંતુ અમારા પૈકીના તમામે પોતાના સંતાનો,પરિવારજનો નો વિરહ વેઠવાની કર્તવ્યનિષ્ઠા બતાવી જ છે. સમાજમાં કોઈકે, આ બહેન આટલું નાનું બાળક મૂકીને પોતાની ફરજો ને જ વળગી રહે છે, આ સારી માતા નથી એવી ટીકા પણ કરી છે, તો મોટાભાગના લોકોએ ફરજને અગ્રતા આપવાની અમારી નિષ્ઠાને બિરદાવી છે. જો કે ટીકા કે વખાણ ને ધ્યાનમાં લીધા વગર અમે કોવિડ નું કામ કરી રહ્યાં છે. પાડોશના લોકો હું કોવિડ માં કામ કરું છું એવું જાણીને ગભરાયા પણ છે, થોડો ઘણો અણગમો અને વિરોધ દર્શાવ્યો છે. પણ મને લાગે છે કે એમની એ પ્રતિક્રિયા સ્વાભાવિક છે.હાલમાં કોવિડ ના ડરનું જે વાતાવરણ છે એ જોતાં હું તેમના વલણ ને સહજતા થી લઉં છું. જો કે મેં મારે લીધે અન્ય કોઈને સંક્રમણ ના લાગે તે માટે પૂરતી તકેદારી લીધી છે, હું બને ત્યાં સુધી એકલી અને સહુ થી દુર રહી છું. રાજ્યના મુખ્યમંત્રીશ્રી એ કામની નોંધ લીધી એના થી પ્રોત્સાહિત થઈ છું. વિજયભાઈ રૂપાણી સાહેબ ખૂબ ભાવનાશીલ છે, નારી શક્તિ નો ઊંડો આદર કરનારા છે એવી અનુભૂતિ આ કાર્યક્રમમાં આમંત્રણ થી હું કરી રહી છું. નવરાત્રી પર્વ એ માતૃ શક્તિ ની આરાધના નું પર્વ છે, ત્યારે આ કાર્યક્રમ યોજવા અને મારા જેવા કોરોના કર્તવ્યશિલ ને રૂબરૂ મળવા માટે હું તેમની ખૂબ આભારી છું.
ડો.પિનલે કોવિડ અને નોન કોવિડ ફરજો દરમિયાન 70 થી વધુ દર્દીઓની વેન્ટિલેટર કેર અને એનેસ્થેસિયા કેરમાં યોગદાન આપ્યું છે, એ ઉલ્લેખનીય છે.
ડો.પીનલ કહે છે મારી કોવિડ કે નોન કોવિડ ફરજો દરમિયાન મારા એનેસ્થેસિયા વિભાગના સહકર્મીઓ,બરોડા મેડિકલ કોલેજના ડીન, સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષકશ્રી, મારા રેસીડેન્ટ તબીબો અને સ્ટાફનો જે સહયોગ મળ્યો એના માટે હું સહુની આભારી છું.
કોરોના એક અણધારી આરોગ્ય કટોકટી છે. આ કટોકટીમાં લોકોની જીવન રક્ષા અને આરોગ્ય રક્ષામાં ડો.પીનલ સહિત સમગ્ર તબીબી સમુદાય અને આરોગ્ય કર્મચારીઓનું યોગદાન ગુજરાત ભૂલી નહિ શકે.