



- સંચાલકો અને સ્થાનિક અધિકારીઓ ટૂંક સમયમાં મીટિંગ યોજી ચર્ચા કરશે
- વિદ્યાર્થીઓની સંખ્યા, સ્કૂલના સમય સહિતની બાબતો પર ચર્ચા બાદ નિર્ણય લેવાશે
દિવાળી પછી સ્કૂલ સંચાલકોએ ધો.10 અને 12ની સ્કૂલો શરુ કરવા મુદ્દે તૈયારી દર્શાવી છે, પરંતુ સ્કૂલે આવતા બાળકોની જવાબદારીને લઇને મુદ્દો ગુંચવાયેલો છે. સ્કૂલો શરૂ કરવાને લઇને અમદાવાદના સંચાલક મંડળો અને અધિકારીઓની મીટિંગ ટૂંક સમયમાં યોજાશે. જેમાં સંચાલકો પોતાની મૂંઝવણ રજૂ કરશે.
શિક્ષણમંત્રી સાથે મીટિંગમાં તમામ જિલ્લા કક્ષાએ સ્થાનિક અધિકારીઓ અને સંચાલકો વચ્ચેની બેઠકમાં સંચાલકો પાસેથી મંતવ્યો મંગાવ્યા છે. સ્કૂલ ક્યારે શરૂ કરી શકાય, કેટલા વિદ્યાર્થીઓ સાથે કરી શકાય, સમય કેટલો રાખવો, રિસેશની વ્યવસ્થા કેવી રીતે કરવી, કેટલા શિક્ષકોને બોલાવવા વગેરે બાબતોની ચર્ચા થશે. પરંતુ આ પહેલા જ સંચાલકો વચ્ચેની બેઠકમાં બાળકોની સુરક્ષાની જવાબદારીને લઇને ગૂંચવણ ઉભી થઇ હતી. સંચાલકોના મતે, વાલી પોતાની સંમતિ આપીને બાળકોને સ્કૂલે તો મોકલશે પરંતુ જો કોઇ બાળક કોરોનાગ્રસ્ત થશે તો તેની જવાબદારી કોની રહેશે? કારણ કે સ્કૂલમાં સેનિટાઇઝર, સોશિયલ ડિસ્ટન્સિંગ વગેરે તમામ નિયમનો અમલ કરીશું. તેમ છતાં જો બાળકને કોરોના થાય તો વાલી અને સંચાલકો વચ્ચે ઘર્ષણ થઇ શકે છે. ઉપરાંત સ્કૂલેથી ઘરે પંહોચતા સમયે જો કોઇ વિદ્યાર્થીને ચેપ લાગે તો તેની જવાબદારી પણ સ્કૂલ પર નાખવામાં આવે તો સંચાલકો મુશ્કેલીમાં મુકાઇ શકે છે.
હાલ માત્ર ધો.10-12ના ક્લાસ શરૂ કરવાની તરફેણ
સંચાલકોના મતે, શરુઆતના તબક્કે ધો.10 અને 12ના ધોરણો શરુ કરવામાં આવે. જેથી બોર્ડના વિદ્યાર્થીઓને યોગ્ય લાભ મળે. સાથે જ સ્કૂલો પાસે બે ધોરણ પ્રમાણે વર્ગખંડોની સંખ્યા પણ પૂરતા પ્રમાણમાં હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ કરી શકાશે. પરંતુ પ્રાથમિક સ્કૂલો અત્યારના તબક્કે ન ખોલવી જોઇએ.
દિવાળી પછી તરત સ્કૂલ શરૂ થતી હોવાથી શિક્ષકોનો વિરોધ
દિવાળી વેકેશનના દિવસોને લઇને શિક્ષકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. શિક્ષકોના જણાવ્યા પ્રમાણે, જે શિક્ષકો દિવાળી માટે પોતાના વતનમાં ગયા હશે તેઓએ દિવાળી પછી તરત જ પાછા હાજર થવું પડશે. દિવાળીના પહેલાં દિવસોનો ઉપયોગ શિક્ષકો કરી શકશે નહીં અને દિવાળી બાદ તરત જ સ્કૂલોની કામગીરી શરૂ થશે. પહેલીવાર દિવાળી પછી લાભ પાંચમથી સ્કૂલોનું વેકેશન પુરું થઇ રહ્યું છે. આ પહેલાં દિવાળીના ચાર કે પાંચ દિવસ પહેલા વેકેશન શરૂ થતું અને દિવાળી બાદના 15થી 17 દિવસનો સમય મળતો. જેથી વતનમાં ગયેલાને તેનો લાભ મળતો. શિક્ષકોના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં જે વિસ્તારોમાં ચૂંટણી છે, ત્યાં તો શિક્ષકોને રજાનો લાભ બહુ ઓછો મળશે.
સ્કૂલ શરૂ કરવા વાલીના સપોર્ટની જરૂર પડશે
સંચાલક મંડળના આગેવાન અને પૂર્વ બોર્ડ મેમ્બર કનુભાઇ પટેલે કહ્યું- સંચાલકોએ દિવાળી પછી સ્કૂલો શરુ કરવાની તૈયારી દર્શાવી છે. પરંતુ બાળકોની જવાબદારીને લઇને સંચાલકોમાં મૂંઝવણ છે. સ્કૂલો શરુ કરવામાં વાલીઓના સપોર્ટની પણ જરૂર પડશે. બાળકોના હિત અને તેમના ભવિષ્યને ધ્યાને લઇને વાલી અને સંચાલકોએ એક થઇને કામ કરવું પડશે. શરૂઆતમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવવા માટે સંચાલકોની તૈયારી છે. જેથી બોર્ડના વિદ્યાર્થીઓને લાભ મળે.