



- રાજકોટમાં દારૂની ખેપમાં પકડાયેલા ASIના સાગરિત બૂટલેગરના ઘરે રેડ
- અન્ય એક દરોડામાં સરસપુરની ઉર્દૂ સ્કૂલના બાથરૂમમાંથી 40 બોટલ મળી
સ્કોચ વ્હિસ્કીની બોટલોમાં ભેળસેળિયો દારૂ ભરી વેચવાનું કૌભાડ પકડાયું છે. નરોડાના એક મકાનમાં પીસીબીએ દરોડો પાડી દારૂની ખાલી, ભરેલી બોટલો, દારૂ ભરેલા કેરબા, ઢાંકણાં સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. અગાઉ રાજકોટ પોલીસે અમદાવાદના એએસઆઈ સહિત ત્રણને દારૂ ભરેલી 2 ગાડી સાથે પકડ્યા હતા, જેમાંથી આરોપી કૃણાલના ઘરે જ પીસીબીએ દરોડો પાડી દારૂ બનાવતી ફેક્ટરી પકડી પાડી હતી.
પીસીબીના પીએસઆઈ એ. ડી. ચાવડાએ જણાવ્યું હતું કે, રાજકોટ એસઓજીએ અમદાવાદના આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના એએસઆઈ વીરેન્દ્રસિંહ, કૃણાલ શાહ, મહેન્દ્રસિંહ વૈદને દારૂના જથ્થા સાથે પકડી લીધા હતા. આ ત્રણેય પાસેથી દારૂની બોટલો, 2 ગાડી સહિત 9.50 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. જ્યારે બૂટલેગર કૃણાલ શાહના ઘરમાં જ દારૂ બનાવાતો હોવાની બાતમીના આધારે પીસીબીએ હંસપુરા નરોડા સ્માર્ટ સિટી ખાતે દરોડો પાડયો હતો, જેમાં ત્યાંથી દારૂ ભરેલી 3 બોટલ, ખાલી 127 બોટલ, 46 લિટર દારૂ ભરેલા 2 કેરબા, બોટલનાં ઢાંકણાં, ઢાંકણાં સીલ કરવાનું મશીન સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. કૃણાલના ઘરમાંથી જે દારૂની ખાલી બોટલો મળી આવી તે બધી જ સ્કોચની બોટલો હતી. જ્યારે ડ્રમમાંથી જે દારૂ મળી આવ્યો હતો તે સસ્તી કિંમતનો દારૂ હતો, જેથી કૃણાલ તેના ઘરમાં જ મોંઘી દારૂની બોટલોમાં સસ્તો દારૂ ભરીને બોટલ સીલ કરીને વેચતો હતો.
કારમાંથી 239 બોટલ સાથે એક ઝડપાયો
- નરોડામાં અમરનાથ એસ્ટેટ પાસે કારમાંથી પોલીસે વિદેશી દારૂની 239 બોટલ સાથે રવીન્દ્ર જાટ (હરિયાણા) નામના શખ્સની ધરપકડ કરી છે.
- સરસપુરની ઉર્દૂ શાળા નં.3ના બાથરૂમમાંથી શહેરકોટડા પોલીસે 40 બોટલ પકડી પાડી હતી, જે આસપાસમાં રહેતા બૂટલેગરની હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે.