



ભરત ચુડાસમા – સ્વાભાવિક છે કે લોકડાઉન દરમિયાન અમીર હોઈ કે ગરીબ હોય બધા ને નાણાકીય અને સામાજિક રીતે તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ જ્યારે લોકડાઉન આપનાર અને તેનું અમલીકરણ કરાવનાર તંત્ર જ તકલીફમાં આવી જાય ત્યારે પ્રજાની શુ વિસાત. એવું જ બન્યું છે કંઈક અંકલેશ્વર નગરપાલિકા ની કચેરીમાં. પાલિકાની કચેરી અને સ્ટ્રીટલાઈટનું લોકડાઉન ના અગાઉના મહિનાથી એટલે કે ફેબ્રુઆરી મહિનાથી બિલ બાકી હોઈ આ વીજ બિલની રકમ રૂપિયા 72 લાખ પર પહોંચી છે. પાલિકા આ વીજ બિલ ચૂકવવા માટે સક્ષમ ન હોઈ એવો ગુજરાત વીજ નિયમન બોર્ડને પત્ર લખીને હપ્તેથી બાકી બિલના તમામ નાણાં ચુકવવાની લેખિત રજુઆત કરી છે. અંકલેશ્વરમાં નગરપાલિકા સદ્ધર હોવા છતાં પણ વીજબીલના નાણાં નથી ચૂકવી શકતી એ વાત કોઈના ગળે ઉતરે તેમ નથી.
એક તરફ સત્તાધીશો વિકાસની બાંગો પોકારે છે અને બીજી તરફ વિજબીલ માટે બેલેન્સ શૂન્ય બતાવે છે એ જ બતાસ છે કે પાલિકાનો ગેરવહીવટ ચરમસીમાએ છે. DGVCL નું વીજ બિલ દંડની ચાર્જીસ સાથે અંદાજે રૂપિયા ૯૦ લાખ સુધી પહોંચે તેવી સંભાવનાઓ દર્શાવાઇ રહી છે. પાલિકાના બાકી વીજ બિલ બાબતે DGVCL ના નાયબ ઇજનેર સી.જી. ચૌધરી જણાવ્યા મુજબ 72 લાખ રૂપિયાનું બિલ ફેબ્રુઆરી થી જ ભરાયું નથી. તો બીજી તરફ આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પાલિકા સત્તાધીશોએ પત્ર વ્યવહાર થકી આપેલ ખુલાસામાં DGVCL ને જણાવ્યું છે કે કોરોના કાળના આ સમયમાં અમે વિજબીલ ભરવા હાલ સક્ષમ નથી.
અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખના જણાવ્યા, અનુસાર હાઉસ ટેક્ષ અને કોમર્શિયલ ટેક્ષની વસૂલાત કરી રહ્યા છે. અમે દક્ષિણ ગુજરાત વીજ નિયમન બોર્ડને રજૂઆત કરી છે. સરકારની બાકી ગ્રાન્ટ હજુ સુધી આવી નથી, જેને લઇને પાલિકા આ વીજ બીલ ચૂકવી શકી નથી. જ્યારે વિરોધ પક્ષના નેતા અને નગર સેવક ભુપેન્દ્ર જાની એ જણાવ્યા અનુસાર, પાલિકામાં ચાલી રહેલા ગેરવાહીવટ માટે સત્તાપક્ષ જવાબદાર છે. પહેલા નગરપાલિકાની તિજોરી છલકાતી હતી, પરંતુ હવે હાલ પરિસ્થિતિ એવી છે કે વીજ બિલ ચૂકવવાના નાણાં પણ સત્તા પક્ષ પાસે નથી આજ બતાવે છે કે, સરકારી ગ્રાન્ટ અને વેરા વસૂલાતના નાણાં ક્યાં જાય છે ? જેની વિજિલન્સ દ્વારા તલસ્પર્શી તપાસ થવી જોઇએ.
વીજ બીલ બાકી રહેતા નગરપાલિકા હસ્તકની બોરિંગ નું વીજ કનેકશન કપાયું હોવાની મળતી માહિતી અનુસાર અંકલેશ્વર નગરપાલિકા નું ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ જી.એન.એફ.સી તળાવની સામે નું બોરિંગ નું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. આવનાર સમયમાં શહેરના તમામ બોરિંગ કે સ્ટ્રીટ લાઈટનું બિલ ભરવામાં નહીં આવે તો ફક્ત અંકલેશ્વર શહેરના નાગરિકો નહીં પરંતુ ખુદ અંકલેશ્વર નગરપાલિકા ઓફિસમાં કામ કરતા પદાધિકારીઓને પણ અંધારપટ માં રહેવાનો વારો આવી શકે છે.