



- મુખ્યમંત્રી વિજય રૂપાણી કાલે રોપ-વેમાં અંબાજી મંદિરે દર્શને જશે
- ઉષા બ્રેકો કંપની દ્વારા 130 કરોડના ખર્ચે ગીરનાર રોપ-વે પ્રોજેક્ટ બનાવાયો
આજે ગિરનાર રોપવે કાર્યરત થવા જઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગિરનાર રોપવેનું ઇ લોકાર્પણ થશે. સાથે કિસાન સૂર્યોદય યોજનાને પણ શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા અન્ય મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે. આ રોપવે એશિયાનો સૌથી મોટો ટેમ્પલ રોપવે છે. છેલ્લાં કેટલાં વર્ષોથી ગિરનાર રોપવે યોજના સાકાર કરવા માટે વખતો વખત સરકાર દ્વારા તેમજ જૂનાગઢના સ્થાનિક લોકો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. અનેક વિઘ્નો અને અંતરાયોને પાર કરી આખરે રોપ વે યોજના સાકાર થઇ છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઇ લોકાર્પણ કરશે. જૂનાગઢના બિલખા રોડ પર પોલીસ તાલીમ મહાવિદ્યાલયનાં મેદાનમાં રોપ વે અને કિસાન સૂર્યોદય યોજનાનું ઇ લોકાર્પણ થશે. ઇ લોકાર્પણ થયા બાદ મુખ્યમંત્રી રોપવે સાઇટની મુલાકાત લેશે. અને ટ્રોલીમાં બેસી અંબાજી જશે. આ કાર્યક્રમને લઇ તમામ તૈયારીઓ તથા સુરક્ષા વ્યવસ્થા પૂર્ણ કરી દેવામાં આવી છે.
અંદાજીત 130 કરોડના ખર્ચે ગીરનાર રોપ-વે બનાવાયો
સ્ટેચ્યુ ઓફ યુનિટી, મોટેરા સ્ટેડીયમ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગિરનાર રોપ-વેનું પણ લોકાર્પણ કરશે. આ અંગે ગિરનાર રોપ-વે પ્રોજેટકના ઉષા બ્રેકો કંપનીના દિપક કપલીસે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેનું ખાતમુહૂર્ત કરે છે તેનું લોકાર્પણ પણ કરે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, મોટેરા સ્ટેડિયમ તેનું દ્રષ્ટાંત છે. ઉષા બ્રેકો દ્વારા બનાવવામાં આવી રહેલા ગીરનાર રોપ-વેનો સમાવેશ દેશનો સૌથી મોટા રોપ-વેમાં થાય છે. 50થી વધુ વર્ષોનો અનુભવ ધરાવતી ઉષા બ્રેકો દ્વારા અંદાજીત 130 કરોડના ખર્ચે રોપ-વે બનાવાયો છે. જેનું સંચાલન, જાળવણી પણ કંપની જ કરશે.
હેલિકોપ્ટર મારફતે ગીરનાર પર રોપ-વે બનાવવાનો દેશનો પ્રથમ પ્રોજેક્ટ
ગીરનાર રોપ-વેને લઇને સૌથી વધુ ઉત્તેજના સાથે ઉત્સુકતા જુનાગઢવાસીઓમાં છે. કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું ઇ-લોકાર્પણ કરશે. હેલિકોપ્ટર મારફતે ગિરનાર પર રોપ-વે બનવવાનો દેશનો આ પ્રથમ પ્રોજેક્ટ છે. ગીરનાર પર શરૂ થનાર રોપ-વેનો કોચ પ્રતિ સેકન્ડ 6 મીટરની ઝડપથી પસાર થશે. અંબાજી ખાતે બનાવવામાં આવેલો રોપ-વે પ્રતિ સેકન્ડ 2.75 મિટરની ઝડપથી ચાલે છે. ગીરનાર પર બનેલા રોપ-વેની ટ્રોલી 8 મિનીટમાં એક ટ્રિપ પૂર્ણ કરશે.
ભાડું મોટાની ટુ-વે ટિકિટ 750, બાળકોની 350 રૂપિયા
રોપવે માટે ટિકિટના દર નક્કી થઇ ગયા છે. 16 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ટુ-વે ટિકિટનો દર 750 રૂ. જ્યારે વન-વે ટિકિટના 400 રૂ. રહેશે. બાળકો માટે ટિકિટનો દર 350 રૂ. રખાયો છે. રોપવે લાગી જવાથી તેના દ્વારા વાર્ષિક 400 કરોડ રૂ.ની આવકનું લક્ષ્ય રખાયું છે.
2.3 કિ.મી.નો રસ્તો 7 મિનિટમાં કપાશે
ભવનાથ તળેટીથી ગિરનાર પર્વત પર અંબાજી માતાનું મંદિર 2.3 કિ.મી. દૂર છે. આ અંતર રોપવે દ્વારા માત્ર 7 મિનિટમાં કાપી શકાશે. હાલ તળેટીથી દત્ત મંદિર સુધીના 9,999 પગથિયા ચઢતાં 5-6 કલાક લાગે છે.
ગીરનાર રોપ-વેના રૂટમાં 9 ટાવર ઉભા કરવામાં આવ્યા
2.3 કિ.મી. લંબાઇ ધરાવતા ગીરનાર રોપ-વેના રૂટ પર 9 ટાવર ઉભા કરવામાં આવ્યા છે. એક ટ્રોલીમાં 8 વ્યક્તિ બેસી શકશે. 8 મિનીટ ઉપર પહોંચતા થશે. 800 મિટરની ઉંચાઇ સુધી લોકો જઇ શકશે. 36 સેકન્ડે ટ્રોલી ઉપડશે અને એક કલાકમાં 800 શ્રદ્ધાળુઓ 25 ટ્રોલીમાં અંબાજી મંદિરે પહોંચી જશે. હાલ અંબાજીએ પગપાળા પહોંચતા સરેરાશ ચાર કલાકનીનો સમય લાગી રહ્યો છે.
રોપ-વેમાં વપરાયેલી રોપ જર્મનીથી મંગાવાઈ છે
ગીરનાર રોપ-વેમાં વાપરવામાં આવેલી રોપ જર્મનીથી મંગાવવામાં આવી છે. આ રોપ-વેમાં 800 લોકો પ્રતિ કલાકમાં મુસાફરી કરી શકશે. 2.3 કિલોમીટરના રૂટમાં 9 ટાવર લગાવવામાં આવ્યાં છે. 1 ટાવરની લંબાઈ 66 ફૂટ રાખવામાં આવી છે. હાલ તો રોપ-વે પર 25 ટ્રોલી કાર્યરત કરવામાં આવશે. જ્યારે જરૂરિયાત મુજબ અન્ય ટ્રોલીની સંખ્યામાં વધારો કરવામાં આવશે. રોપ-વેમાં મુસાફરીનું ભાડું 700 રૂપિયા રહેવાની સંભાવના છે. જો કે ભાડાં અંગે ટુરિઝમ વિભાગ અંતિમ નિર્ણય લેશે.
1 ટ્રોલીમાં 8 લોકો બેસશેે
શરૂમાં રોપવેમાં 24 ટ્રોલી લગાવાશે. એક ટ્રોલીમાં 8 લોકો બેસશે. એક ફેરામાં 192 દર્શનાર્થી જઇ શકશે. દરેક ટ્રોલીની સ્પીડ પ્રતિ સેકન્ડ 5 મી. રહેશે. બે ટ્રોલી વચ્ચેનું અંતર 216 મી. (36 સેકન્ડ) હશે. 1 કલાકમાં 800 દર્શનાર્થી તળેટીથી મંદિર સુધી જઇ શકશે.
પર્વત પર પવન વધારે, રોપવેની ડિઝાઇનમાં તેનું જ ધ્યાન રખાયું
ગિરનાર પર્વતની ઊંચાઇ 3,500 ફૂટ છે. સર્વોચ્ચ શિખર 3,666 ફૂટ ઊંચું છે. અહીં પવનની ગતિ 180 કિ.મી. પ્રતિ કલાક રહે છે. તેનો સામનો કરવા રોપવેની ડિઝાઇન એરોડાયનેમિક બનાવાઇ છે. રોપવે માટે 9 ટાવર લગાવાયા છે. તેમાંથી 6 નંબરનો ટાવર સૌથી ઊંચો (અંદાજે 67 મી.) છે, જે ગિરનારના છેલ્લાં પગથિયાંની નજીક છે. દરેક ટાવર વચ્ચે તેમની ઊંચાઇ 7-8 માળ જેટલી રખાઇ છે.
રોપ-વે શરૂ થયા પછી ગીરનાર પર વધુ મજૂરો જોઇશે
ગીરનાર રોપ-વે શરૂ થયા પછી યાત્રિકોનો પ્રવાહ વધશે. લોકોને તેમના ગંતવ્ય સ્થાન સુધી જવા રસ્તામાં પગથોભ માટે ખાણીપીણીની દુકાનોએ ઉભું રહેવું પડશે. આથી ત્યાં માલ-સામાનની ખપત વધશે અને એ પહોંચાડવા પાછા વધુ મજૂરો જોઇશે. હાલની તકે રોપ-વેમાં માત્ર યાત્રાળુઓ માટે જ મંજૂરી મળી છે. માલ-સામાન માટે મંજૂરી નથી મળી. ગીરનાર પર સામાન પહોંચાડતા મજૂરોની માંગ વધવાની પૂરી શક્યતા છે. ખાસ કરીને અંબાજીથી જૈન દેરાસર અને અંબાજીથી ગુરૂ દત્તાત્રેય વચ્ચેનો ટ્રાફિક ખૂબ જ વધી જશે એવી શક્યતા છે.
પર્યટન સર્કિટ ગીરથી સોમનાથ, ગિરનાર અને દ્વારકાતે પ્રવાસીઓ માટે ટૂરિસ્ટ સર્કિટ છે. સાસણ ગીર, સોમનાથ, ભાલકા, દ્વારકા અને ત્યારબાદ ગિરનાર હિલમાં સિંહ દર્શન સાથે. આનાથી પ્રવાસીઓને એક જ પેકેજમાં બધું મળી શકશે.
ગિરનાર રોપવે મંદિરોમાં સૌથી મોટો, પર્યટન સ્થળોમાં ત્રીજો મોટો રોપવે
પ્રોજેક્ટ | લંબાઇ | ઊંચાઇ | રિટર્ન ટિકિટ | સમય |
ગિરનાર | 2.13 કિમી | 900 મીટર | રૂ.700 | 7.43 મિનિટ |
ગુલમર્ગ-ગોંડોલા (બે સ્ટેજ) | 5 કિમી | 3747 મીટર | રૂ.2000 | 21 મિનિટ |
ઓલી | 4 કિમી | 3010 મીટર | રૂ.1000 | 24 મિનિટ |
મનાલી | 1.6 કિમી | 500 મીટર | રૂ.500 | 5 મિનિટ |
રાયગઢ | 760 મીટર | 420 મીટર | રૂ.315 | 5 મિનિટ |
મસુરી | 400 મીટર | 1600 મીટર | રૂ.75 | 5.10 મિનિટ |