



નવરાત્રી એટલે શકિતની ભક્તિનું પર્વ અને ગરબાનો લોક મહોત્સવ. શ્રદ્ધા,ભક્તિ અને શક્તિની આરાધનાનું પાવન પર્વ એટલે નવરાત્રી. જેમાં યુવા ખેલૈયાઓ માટે નવરાત્રી એટલે નવ દિવસ ગરબાની લયમાં ઝૂમવાના દિવસો હોય છે. પરંતુ ગરબાના લયની સાથે નવ દિવસ માતાની ભક્તિનું પણ એટલું જ મહત્વ રહેલું છે.
ભરૂચમાં નેચરલ ફોટોગ્રાફીના શોખીન વિડીયો- ફોટોના વ્યવસાય સાથે સંકળાયેલ અને કેન્ડીડ સ્ટુડિયો ચલાવતા અભિષેક પટેલ, પીનલ પટેલ, મિતેષ વણકર, ચિન્મય નાયકે માતાજીના વર્ષો જુના ચિત્રો કાઢીને તેને નવરાત્રીમાં નવા વિષય સાથે ભરૂચમાં 8 લોકેશન નવદુર્ગાના 9 સ્વરૂપનું રિક્રિએશન કરીને નવરચના આદ્યાશક્તિ પ્રોજેક્ટ આજની નવી પેઢી માટે રજૂ કર્યો છે.
જેમાં તેમની ટીમ દ્વારા ભરૂચ જિલ્લાના અલગ-અલગ લોકેશનો જેવા કે, નર્મદા કિનારો, દહેજ, લુવારા લાઈટ હાઉસ, સરદાર બ્રિજ,આંબાવાડી,ખોજલવાસા ( જુનાધોધ ) સહિત ભરૂચની જ નવ મહિલા મોડલ સાથે આદ્યશક્તિનું નિર્માણ શરૂ કર્યું હતું. ભારતવાસીઓએ ભક્તિ અને શક્તિ માં નવદુર્ગાના નવરૂપને જે સ્વરૂપે જોયા છે તે નવદુર્ગાના નવસ્વરૂપને નવા અવતારમાં માઁ શૈલપુત્રી, માઁ બ્રહ્મચારીણી, માઁ ચંન્દ્રઘંટા, માઁ કુષ્માંડા, માઁ સ્કંદમાતા, માઁ કાત્યાયની, માઁ કાલરાત્રી, માઁ મહાગૌરી અને માઁ સિદ્ધિદાત્રીની રજૂ કર્યા છે.
કેન્ડીડ સ્ટુડિયોના ચાર મિત્રોએ 2 મહિનાની મહેનત અને પરિશ્રમથી માં નવદુર્ગાના નવા અવતાર આદ્યશક્તિને સાક્ષાત્કાર કર્યા છે. માં નવદુર્ગાના નવા અવતાર આદ્યશક્તિના સર્જનની માહિતી આપતા કેન્ડીડ સ્ટુડિયોના મિત્રો જણાવ્યું હતું કે, તેઓ 18mm ફોટોગ્રાફી કલબ પણ ચલાવે છે. સમગ્ર પ્રોજેકટ તેઓએ 7 થી 8 હજારમાં પાર પાડ્યો છે. જેમાં કોસ્ચ્યુમ, ઘરેણાં,મેકઅપ સહિતનો સમાવેશ થાય છે.