



- પાટણ તાલુકાના બોરતવાડા ગામનો યુવક પશુપાલનની સાથે ઓર્ગેનિક ખેતી કરી રહ્યો છે
- ગાયોના સંવર્ધન દ્વારા દૂધની આવક, બીજદાન અને પ્રાકૃતિક ખેતીની ત્રિવેણી આવક મેળવી
મિકેનિકલ એન્જિનિયરે ફેબ્રિકેશનનો ચાલતો ધંધો બંધ કરીને અચાનક જ વિચાર આવતા પશુ સંવર્ઘનની રાહ પકડી છે. પાટણના 35 વર્ષીય એન્જિનિયરે બોરતવાડા ગામ ખાતે પોતાના બાપ-દાદાની માલિકીના ખેતરમાં ગૌશાળામાં સ્થાપી છે. જેમાં ગીર ઓલાદની 44 ગાયોના સંવર્ધન કરી વર્ષે 8 લાખથી વધુની કમાણી કરે છે. એટલું જ નહીં પશુપાલનની આડપેદાશ એવા ગોબર અને ગૌમુત્રનો ખેતીમાં ઉપયોગ કરી પોતાની 30 વિઘા જમીન પર ખેતીમાં થતો રાસાયણીક ખાતરનો ખર્ચ પણ બચાવે છે.એન્જિનિયર યુવક ગાયોના દૂધમાંથી ઘી બનાવે છે. જેની વડોદરા-સુરત-મુંબઈ જેવા મોટા શહેરોમાં પણ ભારે માંગ રહે છે. ચાર ગાયથી શરૂઆત કરનાર યુવક પાસે હાલ નાની મોટી 44 ગાયો છે પરંતુ 100 ગાયોનું સંવર્ધન કરવાની તેની ઈચ્છા છે. પશુપાલનમાં મેળવેલી મહારથના પગલે રાજ્ય સરકારે શ્રેષ્ઠ પશુપાલનનો એવોર્ડ આપીને સન્માન પણ કર્યું છે.
ચાર ગાયથી શરૂઆત કરી
પાટણ શહેરમાં રહેતા અને મિકેનિકલ એન્જિનિયર એવા 35 વર્ષીય હરેશ પટેલે પિતા અને ભાઈની સલાહથી પાટણ તાલુકાના બોરતવાડા ખાતે આવેલી તેમની ખેતીની જમીનમાં ગૌશાળા શરૂ કરી છે. ત્યાં તે ગીર ઓલાદની ગાયોનું સંવર્ધન કરે છે. તેમણે માત્ર ચાર ગાય લાવી પશુપાલનની શરૂઆત કરી હતી. આજે તેની પાસે નાની મોટી મળી 44 ગાયો છે.
ગીર ગાયના સંવર્ઘન સાથે કમાણી
હરેશ પટેલ જણાવે છે કે, તેઓ બોરતવાડા ગામમાં માધવ ગૌશાળા અને સંવર્ઘન કેન્દ્ર ચલાવે છે. જેમાં ભારતીય નસલની દેશી ગીર પાળે છે. અત્યારે તેની પાસે નાની-મોટી મળીને કુલ 44 ગાયો છે. ગાયોના દૂધમાંથી ઘી બનાવીને વેચતા રૂ.1700 બજાર ભાવ મળે છે. ઉપરાંત ગાયના મૂત્રમાંથી અર્ક અને ગોબરમાંથી ઈકોફ્રેન્ડલી ઘૂપબત્તી (વિવિધ ફ્લેવરમાં ગુગળ, લોબાન વગેરે), પંચદ્રવ્યમાંથી નસ્ય જેવી બાયપ્રોડક્ટથી કમાણી કરે છે.
ગાય આધારિત ખેતી શરૂ કરી
હરેશ પટેલ પાસે 30 વીઘા જમીન છે. જેમાં ગાય આધારિત ઓર્ગેનિક ખેતી કરે છે. ખેતીમાં ગૌમૂત્ર અને ગોબરનો ઉપયોગ કરીને જીવામૃત બનાવીને ખેતીમાં ઉપયોગ કરે છે. ગૌ અમૃત્તમ બેક્ટેરિયા, ડિકમ્પોઝર અને્ ખાટી છાશનો ઉપયોગ કરવામાં આવે છે. એટલું જ નહીં ગાય માટે ઘાસચારા પણ ત્યાં વાવવામાં આવે છે.
દૂધમાંથી ઘી બનાવે છે
ઔષધિય ગુણોથી ભરપુર એવા ગીર ગાયના શુદ્ધ ઘીની માંગને ધ્યાનમાં રાખીને બીજા વર્ષે હરેશએ મેળવેલા તમામ દૂધ ઉત્પાદનનો ઘી બનાવવા ઉપયોગ કર્યો હતો. વાર્ષિક દૂધ ઉત્પાદનમાંથી કુલ 400 કિલો કરતાં વધુ ઘી તૈયાર કરી રૂ. 7 લાખ જેટલી આવક મેળવી છે. સાથે સાથે આયુર્વેદમાં આરોગ્યની દ્રષ્ટીએ ઉત્તમ ગણવામાં આવેલા ગૌમુત્રનો અર્ક બનાવી તેના વેચાણ કરી વધારાની આવક પણ મેળવે છે.
મોટા શહેરોમાં ઘી પહોંચાડે છે
પશુપાલનની શરૂઆત કરી ત્યારે હરેશ પટેલે વાર્ષિક 12 હજાર લિટર દૂધનું ઉત્પાદન મેળવ્યું હતું. જેનું પ્રતિલિટર રૂ 70ના ભાવે દૂધનું છૂટક વેચાણ કર્યું હતું. જ્યારે બચેલા બાકીના દૂધમાંથી ઘી બનાવીને રૂ.1700 પ્રતિકિલોના ભાવે વેચાણ કર્યું હતું. તેમની ગૌશાળાની ગાયોના ઘીને હાલ તેઓ વડોદરા, સુરત અને મુંબઈ જેવા મોટા શહેરોમાંથી માંગ આવતાં ત્યાં સુધી પહોંચાડી રહ્યાં છે.
100 ગીર ગાયો પાળવાનું લક્ષ્યાંક
માત્ર આવકના સાધન તરીકે જ નહીં પણ ઉચ્ચ ઓલાદની ગાયોના સંવર્ધન માટે પણ હરેશ પટેલ પ્રયત્નશીલ છે. તેઓ સમયાંતરે તેમની ગૌશાળામાં રહેલા ખુંટ દ્વારા ગીર ઓલાદની ગાયોના બ્રિડીંગ માટે બીજદાન પણ કરાવે છે. રાજ્ય સરકાર દ્વારા મળતી સહાયથી અન્ય ગાયોની ખરીદી કરી આગામી સમયમાં 100 જેટલી ગાયોના સંવર્ધનનું હરેશભાઈનું લક્ષ્ય છે.
શ્રેષ્ઠ પશુપાલકનો એવોર્ડ પણ મળ્યો છે
આ વર્ષે જ દાહોદ ખાતે યોજાયેલા શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ વિતરણ સમારોહમાં હરેશભાઈને પશુપાલન વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા અને રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડના હસ્તે પાટણ જિલ્લાના શ્રેષ્ઠ પશુપાલક તરીકે એવોર્ડ અને રૂ.15000ની પ્રોત્સાહક રકમનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો.