



– કોરોના સમયમાં બેન્કોના હપ્તા ન ભરી શકતા લોનધારકોને રાહત
– લોન મોરેટોરિયમનો લાભ નહીં લઈને નિયમિત માસિક હપ્તા ચૂકવનારા લોનધારકોને પ્રોત્સાહનરૂપે સરકાર ‘કેશબેક’ આપશે
કેન્દ્ર લોન મોરેટોરિયમના છ મહિનાના સમયનું વ્યાજનું વ્યાજ અને સામાન્ય વ્યાજ વચ્ચેનો તફાવત બેન્કોને ચૂકવશે
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 24 ઓક્ટોબર, 2020, શનિવાર
સરકારી કર્મચારીઓ પછી મોદી સરકારે હવે કરોડો લોનધારકોને દિવાળી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે લોન મોરેટોરિયમના સમયમાં વ્યાજ પર વ્યાજની ચૂકવણીવાળી સ્કીમને મંજૂરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશોના પગલે કેન્દ્ર સરકારે શુક્રવારે મોડી રાતે બે કરોડ રૂપિયા સુધીની લોન માટે વ્યાજના વ્યાજ પર છૂટ આપવાની જાહેરાત કરી છે.
આ સ્કીમનો સામાન્ય લોકો સુધી લાભ પહોંચાડવા માટે નાણામંત્રાલયે શનિવારે તેની માર્ગદર્શિકા જાહેર કરી દીધી છે, જે મુજબ ચક્રવૃદ્ધિ વ્યાજ અને સામાન્ય વ્યાજ વચ્ચેના તફાવતની ચૂકવણી કેન્દ્ર સરકાર કરશે. હાલ આ કેસ સુપ્રીમમાં છે અને બીજી નવેમ્બરે તેના પર સુનાવણી થવાની છે.
વ્યાજનું વ્યાજ મુદ્દે અગાઉની સુનાવણીમાં ન્યાયાધીશ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું હતું કે, લોનધારકો માટે કંઈક નક્કર પગલાં લેવા જોઈએ. રૂ. 2 કરોડ સુધીના લોનધારકોને છૂટનો લાભ વહેલી તકે આપવો જોઈએ. લોકોની દિવાળી સુધારવી એ હવે તમારા હાથમાં છે. કોર્ટે આ સમયે કેન્દ્ર અને બેન્કોને કહ્યું હતું કે સામાન્ય માણસની દિવાળી હવે તમારા હાથમાં છે.
ન્યાયાધીશો આર. એસ. રેડ્ડી અને એમ. આર. શાહને સમાવતી બેન્ચે જણાવ્યું હતું કે સરકારે લોકોને લાભ આપવા માટે કોઈ નિર્ણય લીધો હોય તો તેનો વાસ્તવિક અમલ થવો જોઈએ. આ સાથે બેન્ચે આ કેસની આગામી સુનાવણી 2જી નવેમ્બર મુલતવી રાખી હતી અને કેન્દ્ર સરકારને આ સુનાવણી પહેલાં નક્કર નિર્ણય લેવા નિર્દેશ આપ્યા હતા.
કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ આ સ્કીમનો લાભ એમએસએમઈ લોન, શિક્ષણ લોન, હાઉસિંગ લોન, કન્ઝ્યુમર ડયુરેબલ લોન, ક્રેડિટ કાર્ડની બાકી ચૂકવણી, ઓટો લોન, પ્રોફેશનલ્સને પર્સનલ લોન અને કન્ઝપ્શન લોન લેનારાઓને મળશે. 29મી ફેબુ્રઆરી 2020 સુધીમાં બે કરોડ રૂપિયા સુધીની લોન હોય તેવા લોનધારકોને આ સ્કીમનો લાભ મળશે.
કોરોનાકાળમાં આરબીઆઈએ લોનધારકોને 1લી માર્ચથી 31 ઑગસ્ટ 2020 સુધી લોન મોરેટોરિયમ એટલે કે માસિક હપ્તાની ચૂકવણી નહીં કરવા રાહત આપી હતી. લોન મોરેટોરિયમના આ સમયમાં માસિક હપ્તાની ચૂકવણી કરી હોય કે ન કરી હોય તેમને આ સ્કીમ હેઠળ વ્યાજના વ્યાજમાંથી માફીનો લાભ મળશે.
જોકે, કોર્પોરેટને આ યોજનાનો લાભ નહીં મળે. વ્યાજ પર વ્યાજની ચૂકવણીમાં માફીની સ્કીમનો લાભ માત્ર વ્યક્તિગત અને એમએસએમઈ લોનધારકોને જ મળશે.
વ્યાજ પર વ્યાજની ચૂકવણીનો બોજ કેન્દ્ર સરકાર ઊઠાવશે અને કેન્દ્ર પર તેનો અંદાજે રૂ. 6,500 કરોડનો બોજ પડશે. આ યોજના હેઠળ લોન આપનારી બેન્કો અને સંસૃથાઓએ આ યોજના હેઠળ લોન મોરેટોરિયમની છ મહિનાની મુદત માટે લોનધારકોના સંબંિધત ખાતામાં ચક્રવૃદ્ધિ વ્યાજ અને સામાન્ય વ્યાજના તફાવતની રકમ જમા કરવાની રહેશે.
માર્ગદર્શિકામાં જણાવાયું છે કે લોનધારકોએ આરબીઆઈએ 27મી માર્ચ 2020ના રોજ જાહેર કરેલી માસિક હપ્તાની ચૂકવણી યોજનાનો સંપૂર્ણ આૃથવા આંશિક લાભ લીધો હોય આૃથવા ન લીધો હોય તેને વ્યાજના વ્યાજની માફીને પાત્ર માનવામાં આવશે.
લોન મોરેટોરિયમના સમયમાં નિયમિત માસિક હપ્તા ચૂકવનારા લોનધારકોને પણ આ યોજનાનો લાભ મળશે. લોન આપનારી બેન્કો અને સંસૃથાઓને અપાયેલી છૂટ હેઠળ તેમણે સંબંિધત રકમ લોનધારકના ખાતામાં જમા કર્યા પછી કેન્દ્ર સરકાર પાસેથી તેટલી રકમ મેળવવાનો દાવો કરવાનો રહેશે.
ઉદાહરણરૂપે જોઈએ તો એક વ્યક્તિએ રૂ. 1 કરોડની હોમ લોન લીધી છે. તેણે લોન મોરેટોરિયમનો લાભ લીધા વિના નિયમિત સમયે માસિક હપ્તાની ચૂકવણી કરી છે તો તેને લગભગ 16,000 રૂપિયાનો લાભ મળી શકે છે. આ ગણતરી 8 ટકાના વ્યાજ દરથી કરવામાં આવી છે, પરિણામે ચાર લાખ રૂપિયાના આૃર્ધવાર્ષિક વ્યાજ અને 16,269 રૂપિયાનું ચક્રવૃદ્ધિ વ્યાજ હશે.
વ્યાજના વ્યાજનો મામલો શું છે?
નવી દિલ્હી, તા.24
કોરોનાકાળમાં લૉકડાઉનના કારણે દેશનું સમગ્ર આૃર્થતંત્ર ઠપ્પ થઈ ગયું હોવાથી લોકોને લોનના માસિક હપ્તાની ચૂકવણીમાંથી રાહત આપવા માટે ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)એ 27મી માર્ચ, 2020ના રોજ લોનધારકોને ત્રણ મહિના માટે માસિક હપ્તા ચૂકવવામાંથી રાહત આપી હતી, જેને પાછળથી વધુ ત્રણ મહિના લંબાવવામાં આવી હતી. આમ, લોકોને છ મહિના માટે લોનના માસિક હપ્તા ચૂકવવામાંથી રાહત મળી હતી.
જોકે, આ સમયે લોનધારકો દ્વારા છ મહિના પછીના સમયમાં બેન્કો દ્વારા માસિક હપ્તા પર વ્યાજનું વ્યાજ વસૂલવામાં આવશે તેવી ભીતિ વ્યક્ત કરાઈ હતી. કેન્દ્રની માસિક હપ્તાની ચૂકવણીમાં વિલંબનો વાસ્તવિક લાભ મળે તે માટે વ્યાજના વ્યાજમાંથી મુક્તિ માટે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી થઈ હતી.
આ કેસમાં પાંચમી ઑક્ટોબરે સુનાવણીમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં રૂ. 2 કરોડ સુધીની લોન પર વ્યાજનું વ્યાજ માફ કરવાની યોજના રજૂ કરી હતી. જોકે, 14મી ઑક્ટોબરની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, સરકારની યોજનામાં લોનધારકોને વ્યાજના વ્યાજમાંથી માફી કેવી રીતે મળશે તેની કોઈ વિગતો નહોતી.
સુપ્રીમે કેન્દ્રની યોજનાને આવકારતા કહ્યું હતું કે, સામાન્ય લોકોની મુશ્કેલીઓને કેન્દ્ર સરકારે ધ્યાનમાં લીધી છે તે આવકારદાયક બાબત છે, પરંતુ સરકારે આ સંબંધમાં કોઈ આદેશ આપ્યો નથી. આથી સુપ્રીમ કોર્ટે કેન્દ્રને 2જી નવેમ્બર સુધીમાં તેની યોજનાનો લાભ લોકોને કેવી રીતે મળશે તે જણાવવા અને દિવાળી પહેલાં લોનધારકોને ખુશખબર આપવા નિર્દેશ આપ્યા હતા.