



– ખરા અર્થમાં સ્ત્રી સશક્તિકરણ અને શક્તિની ઉપાસનાનું પ્રેરક ઉદાહરણ
– જગદેવ દહિયાની છમાંથી ચાર દીકરીઓ વિદેશમાં સંશોધનો કરે છે, બે સ્વદેશી સંસ્થાનોમાં કાર્યરત
હરિયાણાના સોનિપત નજીકના નાનકડાં ગામ ભદાના શિક્ષકે છ દીકરીઓને ભણાવીને વિજ્ઞાાની બનાવી છે. છએ છ દીકરીઓએ પીએચડી સુધીનો અભ્યાસ પૂરો કર્યો છે. એમાંથી ચાર વિદેશમાં રહીને સંશોધનો કરી રહી છે, બે દીકરીઓ ભારતમાં સંશોધનો કરી રહી છે. આ શિક્ષકે ખરા આૃર્થમાં શક્તિ ઉપાસનાનું પ્રેરક ઉદાહરણ પૂરૂં પાડયું છે.
હરિયાણાના શિક્ષક જગદેવ દહિયા નવરાત્રિ દરમિયાન તેમની છએ છ પુત્રીઓને દૂર્ગા સ્વરૂપ માને છે. સોનિપત નજીકના ગામ ભદાનાની પ્રાથમિક શાળામાં શિક્ષક એવા જગદેવ દહિયાએ દીકરીઓને ભણાવી-ગણાવીને સાયન્ટિસ્ટ્સ બનાવી છે. દીકરીઓની સફળતાથી પ્રફુલ્લિત જગદેવ દહિયા કહે છે: મ્હારી છોરીયાઁ છોરો સે બઢકર હૈ.
જગદેવ દહિયાને સંતાનોમાં છ દીકરીઓ અને એક દીકરો છે. એક તરફ બેટીઓને બોજ માનવાની માનસિકતા છે ત્યારે જગદેવ દહિયાએ દીકરીઓને ભણાવીને વૈજ્ઞાાનિક બનાવી છે. બધી જ દીકરીઓને સોનિપતની ગર્લ્સ કોલેજમાં ભણાવ્યા પછી હિંદુ કોલેજમાંથી બીએસસી કરાવ્યું હતું.
એ પછી આગળનો અભ્યાસ કરવા એક પછી એક બધી જ બહેનો ચંદીગઢ ગઈ હતી અને પીએચડી સુધીનો અભ્યાસ કર્યો હતો. જગદેવ દહિયા કહે છે: દીકરીઓમાંથી ડૉ. સંગીતા ફિજિશ્યન છે. ડૉ. મોનિકા અને ડ. નીતુ બાયોટેક્નોલોજિસ્ટ છે, ડૉ. કલ્પના, ડૉ. ડૈની અને સૌથી નાની દીકરી ડૉ. રૂચિ ગણિતમાં એમએસસી પીએચડી છે. એ બધી જ દીકરીઓ પોત-પોતાના ક્ષેત્રમાં સંશોધનો કરી રહી છે.
સૌથી મોટી દીકરી સંગીતા સોનિપતની કોલેજમાં પ્રોફેસર છે, ડૉ. કલ્પના પંજાબ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. તે સિવાયની ચાર દીકરીઓ વિદેશની પ્રતિષ્ઠિત સંસૃથાનોમાં સંશોધનો કરી રહી છે. એક દીકરી કેનેડામાં સંશોધન ક્ષેત્રે કાર્યરત છે અને ત્રણ દીકરીઓ અમેરિકન ઈન્સ્ટિટયૂટ્સમાં કાર્યરત છે.
જગદેવ દહિયાએ કહ્યું હતું કે તેમણે હંમેશા દીકરીઓને શક્તિ સ્વરૂપા ગણી છે. દીકરો પણ એમબીએ થઈને બિઝનેસ કરી રહ્યો છે. બધા જ સંતાનોને સારી રીતે ભણાવ્યા હોવાનું પતિ-પત્ની જગદેવ અને ઓમવતી દેવીને બેહદ ગૌરવ છે. આ દંપતી કહે છે: અમારી દીકરીઓને અમે સાક્ષાત દેવીઓ જ માનીએ છીએ.