



- પશ્ચિમમાં સૌથી વધુ કેસ સોલા, ઘાટલોડિયા, વસ્ત્રાપુરમાં, પૂર્વમાં નિકોલમાં સૌથી વધુ કેસ
- ક્રિકેટ સટ્ટાના સૌથી વધારે 13 કેસ સાથે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન ટોચ પર રહ્યું
આઈપીએલ શરૂ થઈ ત્યારથી એટલે કે 19 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર સુધીમાં 35 દિવસમાં અમદાવાદમાં જ આઈપીએલ ઉપર સટ્ટો રમવાના પોલીસે 68 કેસ કરીને 100 આરોપીની ધરપકડ કરી છે. જોકે ભૂતકાળમાં ક્યારેય શહેર પોલીસ દ્વારા આઈપીએલ ઉપર સટ્ટાના આટલા બધા કેસ કરવામાં આવ્યા નથી. તેમાં પણ સમગ્ર શહેરમાં આઈપીએલની સિઝન દરમિયાન ક્રિકેટ સટ્ટાના 13 કેસ સાથે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન ટોપ ઉપર રહ્યું છે.
100 બુકીને પોલીસે ઝડપી પાડ્યાં
મહત્ત્વની વાત તો એ છે કે, ભૂતકાળમાં બુકીઓ ઘર કે ઓફિસ ભાડે રાખીને આઈપીએલ ઉપર સટ્ટો રમતા-રમાડતા હતા, પરંતુ ચાલુ વર્ષે ક્રિકેટ સટ્ટાનો ટ્રેન્ડ બિલકુલ બદલાઈ ગયો છે. હવે બુકીઓ ઓનલાઈન મોબાઈલ એપ્લિકેશનથી જાહેરમાં પાર્કિંગ કે પાનના ગલ્લાની આસપાસ ગમે ત્યાં બેસીને મેચ ઉપર સટ્ટો રમી લે છે. જેના કારણે પોલીસને તેમને પકડવામાં પણ તકલીફ પડે છે. તેમ છતાં પણ ચાલુ વર્ષે શહેર પોલીસે આઈપીએલના સટ્ટાના 68 કેસ કરીને 100 બુકીને ઝડપી લીધા હતા. ઉલ્લેખનીય છે કે, શહેરમાં સૌથી વધુ કેસ પશ્ચિમ અમદાવાદમાં નોંધાયા છે જ્યારે પૂર્વ અમદાવાદમાં નિકોલમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.
બહેરામપુરામાં સટ્ટો રમાડતો યુવાન ઝડપાયો
બહેરામપુરામાં રાધે એવન્યુમાં 303 નંબરના મકાનમાં જીગ્નેશ મકવાણા નામનો યુવાન ઓનલાઈન એપ્લિકેશનના માધ્યમથી આઈપીએલ ક્રિકેટ મેચનો સટ્ટો રમાડી રહ્યો છે. બાતમીના આધારે સાયબર ક્રાઈમની ટીમે રેડ કરતા જિજ્ઞેશ મકવાણા (ઉં.વ.38) બેટ એકસચેન્જ 5 તથા બેટ એકસેસ 55 નામની ઓનલાઇન એપ્લિકેશન પર ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનો ભાવ જાણી લોકોને સટ્ટો રમાડતો ઝડપાઈ ગયો હતો.
ક્રાઇમ બ્રાંચે પણ 8 સટ્ટોડિયાને ઝડપ્યા
સેકટર-1 ના 14 પોલીસ સ્ટેશનમાં આઈપીએલના 48 કેસ કરવામાં આવ્યા હતા. જેમાંથી 38 સ્થાનિક પોલીસ દ્વારા જ્યારે 8 ક્રાઈમ બ્રાંચ દ્વારા કરવામાં આવ્યા હતા. તેવી જ રીતે સેકટર-2 માં સ્થાનિક પોલીસ દ્વારા 17 કેસ જ્યારે ક્રાઈમ બ્રાંચ દ્વારા 1 કેસ મળીને કુલ 18 કેસ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સાઇબર ક્રાઇમે પણ બે લોકોને સટ્ટો રમતા ઝડપ્યા હતા.
કડક કાર્યવાહી કરવા ડિસ્ટાફને સૂચના
સટ્ટોડિયાઓને ઝડપી લેવા માટે તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ અને ડિસ્ટાફને ખાસ સૂચના આપવામાં આવી હતી. તેમાં પણ જાહેર સ્થળો ઉપર પેટ્રોલીંગ વધારે કરવા પણ પોલીસને સૂચના આપી હતી. – રાજેન્દ્ર અસારી, અધિક પોલીસ કમિશનર સેકટર-1