



ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સામેની આચારસંહિતા ભંગની ફરિયાદ અને કાર્યવાહી રદ કરવા ગુજરાત હાઇકોર્ટે આદેશ આપ્યો છે. વર્ષ 2007ની વિધાનસભા ચૂંટણી દરમિયાન પ્રદીપસિંહે અસારવા વિસ્તારમાં આચારસંહિતાનો ભંગ કરી પત્રિકાઓ વહેંચી હોવાની ફરિયાદ અંતર્ગત મેટ્રોપોલિટન કોર્ટે તેમની સામે લોકપ્રતિનિિધત્વ ધારાની વિવિધ જોગવાઇઓ અન્વયે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસ અને ફરિયાદ રદ કરવા ગુજરાત હાઇકોર્ટે આજે આદેશ આપ્યો છે.
હાઇકોર્ટ સમક્ષ પ્રદીપસિંહ જાડેજા તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે મેજિસ્ટ્રેટે તેમની સામે ફરિયાદ નોંધતા પહેલાં સંબંિધત પોલીસ સ્ટેશનને તપાસ હાથ ધરવા આદેશ કર્યો હતો. આ તપાસ દરમિયાન પણ ક્યાંય બહાર નથી આવ્યું કે અરજદારે જ આ પત્રિકાઓ પ્રકાશિત કરાવી હતી કે વહેંચી હતી.
તકનિકી રીતે આ અહેવાલને ક્લોઝર રિપોર્ટ ગણી શકાય છે.મેજિસ્ટ્રેટ આવા અહેવાલના આધારે જ કામગીરી કરવા બંધાયેલા નથી પરંતુ અરજદાર સામે પ્રથમદર્શનીય રીતે કોઇ પ્રાથમિક પુરાવાઓ હોવા જરૂરી છે. જેથી એવું કહી શકાય કે મેજિસ્ટ્રેટે પુરતા આધાર વગર ક્રિમીનલ પ્રોસેસ ઇશ્યુ કરી છે.
આ ઉપરાંત વહેંચાયેલી પત્રિકાઓ કાયદાકીય રીતે ચૂંટણી પત્રિકાઓની વ્યાખ્યામાં આવતી નથી અને આ પત્રિકાઓ અરજદારે પ્રકાશિત કરાવી કે વહેંચી હોવાનો કોઇ નક્કર આધાર નથી. તેથી મેજિસ્ટ્રેટનો ફરિયાદ નોંધવાનો નિર્ણય ભૂલભરેલો છે. આ રજૂઆતને ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે મેટ્રોપોલિટન કોર્ટમાં ચાલી રહેલો કેસ રદ કરવાનો આદેશ આપ્યો છે.