



તિરંગાનું અપમાન કરનારા મેહબૂબા મુફ્તિના પક્ષના કાર્યાલય પર જઇ તિરંગો લહેરાવ્યો, ત્રણ નેતાઓએ પીડીપી છોડી
શ્રીનગર,
જમ્મુ કાશ્મીર ભાજપના પ્રમુખ રવિન્દ્ર રૈનાએ જણાવ્યું હતું કે પાકિસ્તાન અને ચીને ભારતની જેટલી પણ જમીન પચાવી પાડી છે તેને પરત લેવામાં આવશે. એક એક ઇંચ જમીન ભારત પરત લેશે. સાથે જ તેમણે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન મેહબૂબા મુફ્તિ પર તિરંગા વિવાદ મુદ્દે પણ પ્રહારો કર્યા હતા.
રૈનાએ કહ્યું હતું કે મેહબૂબા મુફ્તિ જેવા નેતાઓ તિરંગાનું ખુલ્લેઆમ અપમાન કરી રહ્યા છે. જો તેઓએ ખરેખર ભારતમાં રહેવું હોય તો તિરંગાનું સન્માન કરવું જ પડશે. સાથે જ ભાજપે જમ્મુ કાશ્મીરમાં તિરંગા રેલી પણ કાઢી હતી.
આજની તારીખે 1947માં મહારાજા હરીસિંહે સંપૂર્ણ જમ્મુ કાશ્મીરને ભારતમાં ભેલવી દીધુ હતું, જેને પગલે 26મી ઓક્ટોબરે આ પ્રસંગની ઉજવણી કરવામાં આવી રહી છે. જોકે આ જ સમય દરમિયાન પાકિસ્તાને કાશ્મીરમાં હુમલા કર્યા અને કેટલીક જમીન પચાવી પાડી હતી. જ્યારે ચીન સાથેના યુદ્ધ દરમિયાન પણ સરહદે મોટો ભાગ ચીને પચાવી પાડયો હતો.
બીજી તરફ સુરક્ષાને ધ્યાનમાં રાખીને અનેક ભાજપ કાર્યકર્તાઓની શ્રીનગરમાં અટકાયત કરાઇ હતી, જેને પગલે લાલ ચોક પર તિરંગો નહોતો ફરકાવી શક્યા. જેને પગલે ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓએ પીડીપીના કાર્યાલય પર જઇને તિરંગો ફરકાવી દીધો હતો.
પીડીપી નેતા મેહબૂબાએ કહ્યું હતું કે હું જ્યાં સુધી કાશ્મીરનો અલગ ધ્વજ નહીં મળે ત્યાં સુધી તિરંગો નહીં ફરકાવું કે હાથમાં પણ નહીં લઉ, તેમના આ નિવેદનના વિરોધમાં કાશ્મીરમાં રેલીઓ યોજવામાં આવી હતી અને પીડીપીના કાર્યાલય પર જઇને તિરંગો લહેરાવ્યો હતો. બીજી તરફ આ નિવેદનને પગલે પીડીપીમાં ભંગાણ શરૂ થઇ ગયું છે.
ત્રણ નેતાઓએ પીડીપીમાંથી રાજીનામુ આપી દીધુ હતું. રાજીનામા આપનારા નેતાઓમાં ટીએસ બાજવા, વેદ મહાજન, હુસૈન એ વફ્ફાનો સમાવેશ થાય છે. ભાજપ અને કોંગ્રેસ બન્નેએ મેહબૂબા મુફ્તિના નિવેદનની ભારે ટીકા કરી હતી.