



પોલીસ અને કાર્યકરો ચપ્પલ ફેંકનારની શોધમાં લાગ્યા
ગુજરાતમાં મંત્રીઓ ઉપર જૂતાં ફેંકવાના બનાવો અગાઉ પણ બન્યા છે
વડોદરા જિલ્લાની કરજણ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર દરમિયાન આજે સાંજે કુરાલી ગામે પ્રચાર માટે આવેલા નાયબ મુખ્યમંત્રી ઉપર ચંપલ ફેંકાતા પોલીસ અને કાર્યકરો ચંપલ ફેંકનારની શોધમાં લાગી ગયા હતા.
કરજણ વિધાનસભાની પેટાચૂંટણીનો માહોલ ગરમાયો છે અને ભાજપ-કોંગ્રેસના પ્રદેશ હોદ્દેદારો ચૂંટણી પ્રચારમાં ઉતર્યા છે તે દરમિયાન કરજણ તાલુકાના કુરાલી ગામે બનેલા બનાવના પગલે રાજકીય મોરચે ઉત્તેજના વ્યાપી છે.
કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્યના પ્રચાર માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની આજે સાંજે કુરાલી ગામે જાહેરસભા યોજાઇ હતી.જેમાં મંચ ઉપર વડોદરાના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી,આણંદના સાંસદ અને પૂર્વ સાંસદ,ગૃહ રાજ્ય મંત્રી,ભરૂચના સાંસદ, કરજણ ભાજપના પૂર્વ ધારાસભ્ય સહિતના આગેવાનો ઉપસ્થિત હતા.
નાયબ મુખ્યમંત્રીએ ગુંડાધારા,કરજણ શુગર તેમજ વિકાસની યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો અને કોંગ્રેસ તેના ધારાસભ્યો સાચવી શકતી નહીં હોવાનો આક્ષેપ કર્યો હતો. સભા પૂરી થયા બાદ નીતિન પટેલ મીડિયા સાથે સંવાદ કરી રહ્યા હતા ત્યારે તેમના પર ચંપલ ફેંકાયુ હતુ.
જો કે ચંપલ એક ચેનલના બૂમ માઇક ઉપર પડયું હતું અને તેથી નીતિન પટેલ બચી ગયા હતા.આ બનાવ બાદ પોલીસ અને ભાજપના કાર્યકરો જૂતૂ ફેંકનારની શોધમાં લાગી ગયા હતા.પોલીસે વીડિઓગ્રાફી કરનારાઓનો પણ સંપર્ક કરી તપાસ શરૂ કરી છે.નાયબ મુખ્યમંત્રી આ બનાવ બાદ તુર્તજ શિનોર તાલુકાના મોટાફોફળીયા ગામે જવા નીકળી ગયા હતા.
ગૃહમંત્રી નીકળી ગયા અને પોલીસની હાજરીમાં બનાવ બન્યો
પોલીસ સામે કાર્યવાહી કરવા ભાજપના કાર્યકરોની માંગણી
કુરાલી ખાતેની સભા પૂરી થયા બાદ ગૃહરાજ્ય મંત્રી શિનોર જવા નીકળી ગયા ત્યારે ચંપલ ફેંકવાનો બનાવ બન્યો હતો. કુરાલી ખાતે ડેપ્યુટી સી.એમ.ઉપર ચંપલ ફેંકવાના બનેલા બનાવ અંગે ભાજપના કાર્યકરોએ રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે,પોલીસની હાજરીમાં આ બનાવ બન્યો હોવાથી પોલીસ સામે કાર્યવાહી થવી જોઇએ.
વડોદરાથી પ્રચાર માટે ગયેલા એક કાર્યકરે કહ્યું હતું કે,સભા પૂરી થઇ ગયા બાદ ગૃહરાજ્ય મંત્રી અને અન્ય આગેવાનો શિનોર ખાતેની સભામાં જવા નીકળ્યા હતા.જ્યારે નીતિનભાઇ પટેલ મીડિયાને સંબોધી રહ્યા હતા.આ વખતે પોલીસની હાજરીમાં જ આ બનાવ બન્યો હતો.