



દુષ્કર્મના આરોપી પાસેથી 35 લાખ રૂપિયાના લાંચ કેસમાં અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. શ્વેતા જાડેજાની કાયમી જામીનની અરજી ગુજરાત હાઇકોર્ટે મંજૂર કરી છે. રૂપિયા એક લાખના બોન્ડ તેમજ કોર્ટની પરવાનગી વગર ગુજરાતની હદ ન છોડવાની શરતે આ અરજી મંજૂર કરવામાં આવી છે.
શ્વેતા જાડેજા તરફે રજૂઆત કરાઇ હતી કે તે એક મહિલા છે અને ગત જુલાઇથી જેલમાં છે. કેસની ચાર્જશીટ થઇ ચૂકી હોવાથી હવે તેને જામીન મળવા જોઇએ. ઉલ્લેખનીય છે કે સહઆરોપી અને શ્વેતા જાડેજાનો બનેવી દેવેન્દ્ર ઓડેદરા હજુ પણ આ કેસમાં ફરાર છે.
આરોપી પોલીસ અધિકારી શ્વેતા જાડેજા તરફથી હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે સી.આર.પી.સી.ની કલમ-437 પ્રમાણે આજીવન કેદની જોગવાઇ હોય તેવા કેસમાં પણ મહિલા આરોપી જામીન મેળવવાને પાત્ર છે, જ્યારે આ કેસમાં સાત વર્ષ સુધીની સજાની જોગવાઇ છે. આ ઉપરાંત આરોપી અધિકારી ગત જુલાઇથી જેલમાં છે અને કેસની તપાસ પૂર્ણ થઇ ગઇ છે અને ચાર્જશીટ પણ ફાઇલ થઇ ચૂકી છે.
આ અરજીના વિરોધમાં રાજ્ય સરકારે રજૂઆત કરી હતી કે આરોપીનો બનેવી અને સહઆરોપી દેવેન્દ્ર ઓડેદરા હજુ ફરાર છે, આ ઉપરાંત આંગડીયા દ્વારા લાંચની ટ્રાન્સફર થતી હોવાના તેમજ અન્ય મજબૂત પુરાવાઓ તપાસ દરમિયાન મળ્યા છે. તેથી અરજદારને જામીન આપી શકાય નહીં.
હાઇકોર્ટે બન્ને પક્ષોને સાંભળી રૂપિયા એક લાખના બોન્ડ પર જામીન અરજી મંજૂર કરી છે તેમજ કોર્ટની પરવાનગી વગર ગુજરાતની હદ ન છોડવાની શરત પણ મૂકી છે. આ ઉપરાંત કોર્ટે નોંધ્યું છે કે કોર્ટના આ ચુકાદા અને પ્રાથમિક અવલોકનોના આધારે ટ્રાયલ કોર્ટ પ્રભાવિત ન થાય.