



દહેજ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝ કંપનીના ગોડાઉનમાં મુકવામાં આવેલાં સોલ્વન્ટ ભરેલાં બેરલોમાં મધ્યરાત્રીએ આગ ભભુકી ઉઠી હતી. અચાનક આગ લાગવાની ઘટનાથી કંપનીમાં કામ કરતાં કામદારોમાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાને પગલે આસપાસની કંપનીઓના લાશ્કરો તુરંત સ્થળ પર દોડી આવ્યાં હતાં. ભારે જહેમત બાદ અંદાજે દોઢ-બે કલાક બાદ આગ કાબુમાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર એમ. બી. વાઘેલાએ જણાવ્યું હતું કે, ગોડાઉનમાં શોર્ટ સર્કિટ કે અન્ય કોઇ કારણસર આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. હાલમાં આગ કાબુમાં આવી ગઇ છે. પરંતુ ગોડાઉનમાં જઇ શકવાની સ્થિતી ન હોઇ આવતીકાલે સ્થળ મુલાકાત લઇ આગ લાગવાનું કારણ જાણવાની કાર્યવાહી હાથ ધરાશે. જોકે, હાલના તબક્કે ઘટનામાં કોઇ જાનહાની થઇ હોવાનું જાણવા મળ્યું નથી.