



ભરૂચ એલસીબીએ અંકલેશ્વર વાલિયા ચોકડી નજીકથી ખેરના લાકડા ભરેલ ટ્રક સાથે એક ચાલકને ઝડપી પાડ્યો હતો. 10 લાખ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વન વિભાગ જાણ કરતા વન વિભાગ ના અધિકારીઓ દોડી આવી પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ આરંભી હતી.
ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન શંકાસ્પદ ખેરના લાકડા ભરેલ ટ્રક વડોદરા તરફ જવાની હોવાની માહિતી મળી હતી, ત્યારે બાતમીના આધારે અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક એલસીબી પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમ્યાન બાતમીવાળી ટ્રક આવતા તેને રોકી તલાસી લેતા તેમાં ખેરના લાકડાનો જથ્થો મળી આવ્યો હતો. એલસીબી પોલીસે યુપીના ટ્રક ચાલક રામવિનય રામલક્ષમણ વર્માને લાકડા અંગેના જરૂરી દસ્તાવેજો માંગતા તેણે સંતોષકારક જવાબ ન આપ્યો હતો. જે આધારે રામવિનય રામલક્ષમણ વર્માની અટકાયત કરી રૂપિયા 2,25 લાખની કિંમતના લાકડાનો જથ્થો અને રૂપિયા 8 લાખની ટ્રક તેમજ મોબાઈલ મળી કુલ રૂપિયા 10,30 લાખનો મુદ્દામાલ જપ્ત કરી અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, અંકલેશ્વર શહેર પોલીસે રામવિનય રામલક્ષમણ વર્મા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વન વિભાગ ને જાણ કરવામાં આવતા વન વિભાગ ના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ અંગે શહેર પોલીસ મથકે થી ઝડપાયેલ ટ્રક ચાલાક ની સામે એફ.આઈ.આર. નોંધવાની તજવીજ સાથે વન વિભાગે વધુ તપાસ આરંભી હતી.