



– કેવડિયામાં યોજાનારા એકતા દિનનો અનોખો વિરોધ
– 14 ગામના સરપંચોએ ઠરાવ કર્યો કે 30-31મીએ બજારો બંધ રહેશે, સરકારી કર્મચારીને ય ગામમાં નો-એન્ટ્રી
આગામી 30-31મીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે યોજાનારાં રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે પણ કેવડિયાના આસપાસના 14 ગામના આદિવાસીઓએ પોલીસના ડરથી ઘરમાં જ કવોરન્ટાઇન થઇને વડાપ્રધાનના કાર્યક્રમનો અનોખી રીતે વિરોધ કરવા નક્કી કર્યુ છે જેના કારણે પોલીસ- સૃથાનિક તંત્રની ઉંઘ હરામ થઇ છે.
જો બંધનુ એલાન આપે તો પોલીસ ધરપકડ કરી કાર્યવાહી કરે જેના પગલે આદિવાસીઓએ કોરોનાનું બહાનુ ધરી વિરોધ કરવા રણનીતિ ઘડી કાઢી છે. નવ મહિના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. 30મીએ નરેન્દ્ર મોદી કેવડિયા કોલોની આવી પહોંચશે .
વડાપ્રધાનની આ મુલાકાતને લઇને આદિવાસીઓ વિરોધ નોંધાવ્યો છે. જમીન સહિત અન્ય માંગોને લઇને આદિવાસીઓ સરકાર સામે લડત લડી રહ્યાં છે. જોકે, કેવડિયા બચાવો આંદોલન સમિતીએ 30-31મીએ કેવડિયા બંધનુ એલાન આપતાં પોલીસ દોડતી થઇ હતી. એટલું જ નહીં, આંદોલન સમિતીના મુખ્ય આંદોલનકારીઓ પર પોલીસે વોચ રાખી છે.બંધ સફળ ન થાય તે માટે પોલીસ સક્રિય થઇ છે.
આ તરફ, આ જ સમિતીના આગેવાનોએ બંધનુ એલાન યથાવત રહે તે માટે નવો રસ્તો શોધી કાઢ્યો છે. આજે કેવડિયા બચાવો આંદોલન સમિતીએ નર્મદા કલેક્ટરને આવેદનપત્ર આપીને એવી રજૂઆત કરી છેકે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે એકતા દિનની ઉજવણી થવાની છે ત્યારે અન્ય રાજ્યમાંથી પોલીસ જવાનો આવ્યાં છે જેમાં કેટલાંય પોલીસ કોરોનાથી સંક્રમિત સુધૃધાં થયાં છે.
આ જવાનોને ગામડાઓની શાળામાંઉ ઉતારો અપાયો છે જેના કારણે કોરોનાનું સંક્રમણ વધવાનો ભય છે. આ બધુય જોતાં કેવડિયાની આસપાસના ગામો જેવા કે,કોઠી , ગભાણા , વગાડિયા , ભુમલિયા ,નવાગામ , લીમડી , વાસણપુરા ,ઇન્દ્રવણા ,બોરિયાના ગ્રામજનો 30-31મીએ ઘરમાં જ સેલ્ફ કવોરન્ટાઇન થઇને વડાપ્રધાનના કાર્યક્રમનો વિરોધ નોંધાવશે.
કેવડિયાની આસપાસના 14 ગામના સરપંચોએ ઠરાવ કર્યો છેકે, 30-31મીએ ગામમાં બહારના વ્યક્તિને પ્રવેશ અપાશે નહીં, ગામમાં સરકારી કર્મચારીને ય પ્રવેશ આપવામાં નહી આવે. ેગ્રામજનો દિવસભર ઘરમાં જ રહેશે. ગામના બજારો ય સ્વેચ્છિક રીતે બંધ રહેશે. હવે પોલીસ-સૃથાનિક તંત્રે આ આખાય મામલાને થાળે પાડવા દોડધામ મચાવી છે.