



– યુએન મહેતા હોસ્પિટલમાં કોરોના સંદર્ભે સારવાર લઇ રહેલા
– 72 હિરોઇન સાથે 150થી વધુ ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવનાર સુપર સ્ટારની 77 વર્ષની વયે ‘એક્ઝિટ’થી ઢોલીવુડ સહિત લાખો ચાહકો શોકાતુર
ગુજરાતી ફિલ્મના નરેશ કનોડિયાનું કોરોનાની સારવાર દરમિયાન અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં મંગળવારે સવારે મૃત્યું થયું હતું. 72 હિરોઇન સાથે 150થી પણ વધુ ગુજરાતી ફિલ્મોમાં મુખ્યભૂમિકા ભજવનાર મીલેનીયમ મેગા સુપરસ્ટાર નરેશ કનોડિયાની 77 વર્ષની વયે અણધારી વિદાયથી ગુજરાતી ફિલ્મમાં એક યુગનો અંત આવી ગયો છે ત્યારે નરેશ કનોડિયાના અવસાનના સમાચાર વાયુ વેગે પ્રસરી જતા ઢોલીવુડની સાથે તેમના લાખ્ખો ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
સ્વર્ગસ્થના પાર્થિવદેહને ગાંધીનગર ખાતે અંતિમવિધી કરવામાં આવી હતી તે વખતે તેમના રૂટ ઉપર અને તેમની શબવાહિની પર ચાહકોએ પુષ્પવર્ષા કરી હતી.તો વડાપ્રધાન, કેન્દ્રિય ગૃહમંત્રી, મુખ્યમંત્રી સહિત અન્ય મહાનુભાવોએ પણ શોકાંજલી પાઠવી હતી.જ્યારે નરેશ-મહેશ કનોડિયાના મૃત્યુ વચ્ચે ફક્ત બે જ દિવસના અંતરને લઇને બન્ને કલાકારોના વિડીયો અને ફોટા સોશ્યલ મિડીયામાં વાયરલ થયા હતા.
મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના કનોડા ગામમાં આર્થિક-સામાજિક પછાત પરિવારમાં જન્મેલા નરેશ કનોડિયાનો ઉછેર ખુબ જ સાદગી અને ગરીબાઇમાં થયો હતો. વર્ષ 1943ની 20મી ઓગસ્ટે જન્મેલા નરેશ કનોડિયા તેમનાથી છ વર્ષ મોટા મહેશ કનોડિયા સાથે નાની ઉંમરે જ ગીત-સંગીતના શોેખ સાથે જોડાઇ ગયા હતા સાથે અભિનયની કળા પણ નરેશ કનોડિયામાં હતી.
જેને લઇને વર્ષ 1970માં તેમને પહેલી ફિલ્મ ‘વેણીને આવ્યા ફુલ’માં તક મળી હતી ત્યાર બાદ તેમને એક પછી એક ખુબ જ લોકપ્રિય ફિલ્મો આપી હતી. પ્રથમ ફિલ્મના એક દશકા બાદ એટલે કે વર્ષ 1980 પછી મહેશ કુમાર એન્ડ પાર્ટીમાં મહેશ-નરેશની જોડીએ ધુમ મચાવવાનું શરૂ કરી દીધું હતું.વર્ષ 1980થી 1990નો દશકો ગુજરાતી ફિલ્મમાં જાણે નરેશ કનોડિયા માટે જ રહ્યો હોય તેમ આ દશકામાં તેમણે અસંખ્ય હિટ ફિલ્મો આપી હતી.
તે વખતે નરેશ કનોડિયા અને સ્નેહલતાની જોડીએ ખુબ જ ફેમસ થઇ હતી આ જોડીની ફિલ્મો સુપરડુપર હિટ રહી હતી અને અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્ના જેવા બોલીવુડના સુપરસ્ટારની ફિલ્મો વચ્ચે પણ નરેશ કનોડિયાની ગુજરાતી ફિલ્મની ટિકિટો થિયેટરો બહાર બ્લેકમાં વેચાતી હતી. નરેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મોમાં હિરો દ્વારા ડાન્સ અને ડિસ્કોની પણ શરૂઆત કરી હતી.સાથે ગુજરાતીમાં હોરર ફિલ્મનો પ્રારંભ પણ નરેશ કનોડિયાએ જ કરાવ્યો હતા.
નરેશ કનોડિયાનો ‘કોની માં એ સવા સેર સૂંઠ ખાંધી છે?’ તે ડાયલોગ અને ફુક મારીને વાળનો ઉડાડવાની સ્ટાઇલ તે વખતે ખુબ જ ફેમસ થઇ હતી અને તે વખતના યુવાનીયા નરેશ કનોડિયાની અદાની કોપી કરતા થયા હતા. એક રીતે કહીએ તો ગુજરાતી ફિલ્મના પર્યાય નરેશ કનોડિયા બની ગયા હતા. આ ઉપરાંત નરેશ કનોડિયાએ પોતાની અભિનય કલાના ઓજસ હિન્દી ફિલ્મ ‘છોટા આદમી’માં પણ પાથર્યા હતા તો ઢોલા મારૂ અને ઉંચી મેડીના ઉંચા મોલની રાજસ્થાની ફિલ્મો પણ બની હતી.
નરેશ કનોડિયાની અભિનય શૈલીને ધ્યાનમાં રાખીને તેમને વર્ષ 2012માં દાદાસાહેબ ફાળકે એકેડમી એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા. અભિનેતાની સાથે નેતાની બીજી ઇનીંગ્સમાં પણ તેઓ સફળ રહ્યા હતા ભાજપ તરફથી તેઓ કરજણ વિધાનસભાની બેઠક ઉપર વર્ષ 2002માં ઉતર્યા હતા જેમાં તેમણે વિજય મેળવ્યો હતો.
છેલ્લા ઘણા વખતથી તેઓ રાજનીતિથી દુર રહેવાનું તો પસંદ કર્યું હતું પરંતુ તેમનો પહેલો પ્રેમ એટલે કે, અભિનયથી વિખુટા પડી શક્તા ન હતા. 70 વર્ષની ઉંમરે પણ તેમણે ફિલ્મોમાં અભિનય કરવાનું છોડયું ન હતું પોતાના પુત્ર હિતુ કનોડિયા સાથે તેમણે ઘણી ફિલ્મોમાં સાઇડ રોલ કર્યા હતા તો લોકડાઉન વખતે લોકોને જાગૃત કરવા માટે પણ તેમણે ઢોલ વગાડીને ‘ભાગ કોરોના ભાગ’ની શોર્ટ ફિલ્મ બનાવી હતી પરંતુ ત્યાર બાદ એટલે કે, તા.20મીએ તેમનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જ્યાં તેમની સ્થિતિ ગંભીર થતા વેન્ટીલેટર ઉપર લેવામાં આવ્યા હતા તે દરમિયાન એટલે કે, બે દિવસ પહેલા જ તેમના હૃદયથી એકદમ નજીક રહેલા તેમના ભાઇ મહેશ કનોડિયાનું અવસાન થયું હતું ત્યારે ‘સાથે જીવશુ સાથે મરીશુ’ના કોલ આપનાર નરેશ કનોડિયાએ પણ આખરે આજે સવારે આખરી શ્વાસ લીધો હતો. નરેશ કનોડિયાના નિધનથી ગુજરાતી ફિલ્મના એક યુગનો અંત થઇ ગયો છે ત્યારે મહાનાયકની વિદાયના સમાચાર વાયુવેગે પ્રસરી જતા ઢોલીવુડ સહિત લાખ્ખો ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે
ગાંધીનગરના અંતિમધામ ખાતે સ્વર્ગસ્થનો પાર્થિવદેહ લઇ જવામાં આવતો હતો ત્યારે શબવાહિની ઉપર ચાહકોએ પુષ્પવર્ષા કરીને અંજલી આપી હતી.જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજ્યપાલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અન્ય મહાનુભાવોએ શોકાંજલી પણ આપી હતી. સમગ્ર દિવસ દરમિયાન સોશ્યલ મિડીયામાં પણ ચાહકો દ્વારા નરેશ અને મહેશ કનોડિયાને શ્રધ્ધાંજલી આપતા વિડીયો અને ફોટા વાયરલ થયા હતા.
કનોડા ગામ ઉપરથી કનોડિયા અટક રાખી
‘સાથે જીવશું,સાથે મરશું’ નો કોલ મહેશ-નરેશે નિભાવ્યો
એક રૂમના મકાનથી શરૂ કરેલી સફર મુંબઈના પેડર રોડ સુધીના આશિયાના સુધી પહોંચી હતી
મહેશ-નરેશ બેલડી હવે ઇતિહાસ બની ગઇ
ગુજરાતી ફિલ્મોના મહાનાયક એવા નરેશ કનોડિયાનું આજે 77 વર્ષની વયે નિધન થયું છે ત્યારે બે દિવસ અગાઉ જ તેમના મોટા ભાઈ મહેશ કનોડિયા પણ લાંબી બિમારી બાદ અવસાન પામ્યા હતા. ફિલ્મ હોય કે સ્ટેજ શો આ બન્ને ભાઈઓએ નાનપણથી શરૂ કરેલી સફરમાં હરહંમેશ ગીત ગણગણતાં કે સાથે જીવશું, સાથે મરશું.. અને આજે બે દિવસના ટુંકાગાળામાં બન્ને ભાઈઓ દુનિયાને અલવીદા કરી ગયા છે. એટલે તેમણે ખરા અર્થમાં સાથે જીવવા-મરવાનો કોલ નિભાવ્યો છે.
મહેશ-નરેશની બેલડીએ ઢોલીવુડની સાથે બોલીવુડની ફિલ્મોમાં પણ સંગીત આપ્યું હતું. શરૂઆત સ્ટેજ આરકેસ્ટ્રાથી કરી હતી. જે ઓરકેસ્ટ્રામાં નરેશ કનોડિયા આયોજનની સાથે ડાન્સ પણ કરતાં હતા અને તેમને જોઈ ફિલ્મના દિગ્દર્શકોએ ફિલ્મોમા એન્ટ્રી અપાવી હતી.એક ઈન્ટરવ્યુમાં નરેશ કનોડીયાએ કહયું હતું કે અમદાવાદમાં તેઓ બુટપોલીશ કરતાં હતા. એટલું જ નહીં ઘરેઘરે જઈ કચરો વીણતાંઅને રેલ્વેના પાટા અને પ્લેટફોર્મ ઉપર કચરો વીણવાનું કામ પણ કરતાં હતા.
કનોડા ગામ તેમનું વતન હતું અને ગામ સાથે એટલો લગાવ હતો કે બન્ને ભાઈઓએ તેમની અટક કનોડિયા કરી દીધી હતી. ફિલ્મો થકી પ્રસિધ્ધ થયા બાદ દેશ દુનિયામાં નામના મેળવી હોવા છતાં ગામને કયારેય ભુલ્યા ન હોતા અને વારે તહેવારે ગામમાં જતાં અને ગામના લોકોની મદદ માટે કાર્યો પણ કરતાં રહેતા હતા. ફિલ્મોની સાથે મહેશનરેશે રાજકારણમાં પણ ઝંપલાવ્યું હતું. મહેશ કનોડિયા પાટણથી ચાર વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા તો નરેશ કનોડિયાએ કરજણમાંથી ધારાસભ્યપદ પણ મેળવ્યું હતું.