



ડેડીયાપાડા તાલુકાના ચિકદા ગામમાં પેટ્રોલ પંપના કેશિયરનો બે કિ.મી. સુધી બે લૂંટારૂઓએ પીછો કર્યો હતો અને કેશિયર પર હુમલો કરીને બંને લૂંટારૂ 8 લાખ રૂપિયાની લૂંટ ચલાવીને ફરાર થઇ ગયા હતા. ડેડિયાપાડા પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
લૂંટારૂઓએ કેશિયર પર સ્ટીકથી જીવલેણ હુમલો કર્યો
નર્મદા જિલ્લાના ડેડિયાપડા તાલુકાના ચીકદા ગામમાં આવેલા પેટ્રોલ પંપ પર કેશિયર તરીકે ફરજ બજાવતા અમરસિંગ વસાવા પેટ્રોલ પમ્પની આવકના 8 લાખ રૂપિયા સ્કૂલ બેગમાં ભરીને ઉમરપાડા બેંકમાં જમા કરાવવા નીકળ્યા હતા. આ સમયે બાઇક પર બે લૂંટારૂઓએ તેમનો 2 કિ.મી. સુધી પીછો કર્યો હતો અને કેશિયરને રોકીને તેના પર સ્ટીક વડે જીવલેણ હુમલો કર્યો હતો અને તેની પાસે રહેલી બેગમાં મૂકેલા 8 લાખ રૂપિયાની લૂંટ ચલાવીને લૂંટારૂઓ ફરાર થઇ ગયા હતા.
લૂંટારૂઓનું પગેરૂ શોધવા પોલીસની દોડધામ
ઘટનાની જાણ થતાં જ ડેડીયાપાડા પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી અને માથાના ભાગે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા કેશિયરને ડેડિયાપાડા આરોગ્ય કેન્દ્રમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો અને પોલીસ લૂંટારૂઓનું પગેરૂ શોધવા દોડધામ શરૂ કરી હતી.