



- નર્મદા નદીમાં કૂદી ગયેલા ડ્રાઇવરની ફાયર બ્રિગેડે શોધખોળ શરૂ કરી, કલાકો બાદ પણ કોઇ પત્તો મળ્યો નથી
- ડ્રાઇવરે કયા કારણોસર પોઇચા બ્રિજ પરથી કૂદ્યો તેનું રહસ્ય અકબંધ, પોલીસ તપાસ શરૂ
રાજપીપળાથી વડોદરા ST બસ લઇને નીકળેલો ડ્રાઇવરે પોઈચા પુલ પર અચાનક બસ ઉભી રાખી હતી અને પુલ પરથી નર્મદા નદીમાં કૂદી પડ્યો હતો. જેને પગલે લોકટોળા ઉમટી પડ્યા હતા. નર્મદા નદીમાં કૂદ્યા બાદ પાણી તરી રહેલા ડ્રાઇવરનો વીડિયો વાઇરલ થયો છે. જોકે ત્યારબાદ તેનો કોઇ પત્તો મળ્યો નથી.
રાજપીપળા પોલીસે તપાસ હાથ ધરી
રાજપીપળા પોલીસ સહિત રાજપીપળા ST ડેપો મેનેજર પોતાના સ્ટાફ સાથે ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. આ ઘટના કેમ બની તે મામલે તપાસ હાથ ધરી છે. અચાનક ડ્રાઇવર કેમ પુલ પરથી નીચે કૂદી પડ્યો એ પ્રશ્ન હાલ પોલીસ અને ST ડેપો સ્ટાફમાં ચર્ચાઈ રહ્યો છે. જોકે, ડ્રાઇવરનો હજુ સુધી કોઈ જ પતો લાગ્યો નથી. આ ઘટના સંદર્ભે રાજપીપળા પોલીસે તપાસ હાથ ધરી છે.
ડ્રાઇવરે અચાનક નદીમાં કૂદકો મારતા મુસાફરો ગભરાઇ ગયા
રાજપીપળાથી 26 ઓક્ટોબરે સાંજે 5:00 કલાકની આસપાસ GJ-18- Z-5630 નંબરની બસ લઇને 748 બેઝ નંબર ધરાવતો ડ્રાઇવર આશિષકુમાર રણછોડ મુંડવાડા(રહે, સંતરામપુર) પેસેન્જર લઇને વડોદરા કિર્તીસ્તંભ જવા રવાના થયો હતો. અચાનક 5:50 કલાકની આસપાસ તેણે બસ નજીકના પોઈચા પુલ પર ઉભી રાખી હતી અને નીચે ઉતરી કોઈ કશું સમજે એ પેહલા જ નર્મદા નદીમાં છલાંગ લગાવી દીધી હતી. જેથી પેસેન્જરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. અચાનક બનેલી આ ઘટના બાદ ત્યાં લોક ટોળા ઉમટી પડ્યા હતા અન્ય પેસેન્જરે આ મામલે રાજપીપળા પોલીસ મથકમાં અને ST ડેપોમાં જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડડની મદદ લઇને ડ્રાઇવરની શોધખોળ હાથ ધરી હતી.
કલાકો પછી પણ ડ્રાઇવરનો કોઇ પત્તો મળ્યો નથી
જોકે, ઘટના ઘટનાના કલાકો બાદ પણ ડ્રાઇવરનો કોઇ પત્તો લાગ્યો નથી. ડ્રાઇવર આશિષકુમાર રણછોડ મુંડવાડાએ જ્યારે નર્મદા નદીમાં છલાંગ લગાવી, ત્યારે અમુક સમયનો કોઈકે વીડિયો પણ ઉતારી લીધો હતો, એ વીડિયોમાં ડ્રાયવર આશિષ તરવાનો પ્રયત્ન કરતો નજરે પણ ચઢે છે. રાજપીપળા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
રવિવારે સવારે ડ્રાઇવર નાસિકથી પરત ફર્યો હતો
રાજપીપળા ST ડેપોમાંથી મળતી માહિતી મુજબ ડ્રાઇવર આશીસ કુમાર રણછોડ મુંડવાડા રવિવારે સવારે 7:20 કલાકે નાસિકથી ST બસ લઈ રાજપીપળા રિટર્ન થયો હતો.