



સાંસદ મનસુખ વસાવા, રામકુંડ મંદિરના મહંત ગંગાદાસ બાપુ સહિત સંતો ઉમટ્યા હતા.
હિટ એન્ડ રન કેસ મા ફરાર હાઇવા ચાલકને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા
ઝઘડિયાના ગુમાનદેવ હનુમાનજી મંદિર પાસે વહેલી સવારમાં એક અજાણ્યા વાહન ચાલકે ચાર લોકોને અડફેટે લીધા હતા. જેમાં ત્રણ મહિલા અને એક પુરુષનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. પોલીસની દરમિયાનગીરીથી સ્થાનિકોને સમજાવ્યા બાદ મહામુસીબતે રોડ ને ફરી રાબેતા મુજબ શરૂ કરવા પોલીસને સફળતા મળી હતી.
ઝઘડિયાના પ્રખ્યાત ગુમાનદેવ તીર્થ પાસે કોઈ અજાણ્યા વાહનની અડફેટે વહેલી સવારે ત્રણ મહિલાઓ અને એક પુરુષનું ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજયું હતું. આ અકસ્માત (accident) બાદ સ્થાનિક લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. એક સાથે ચારના મોતથી સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ અકસ્માતની ઘટનામાં પોલીસે અજાણ્યા વાહન ચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યાં છે. પરંતુ આ ઘટનામાં ગુમાનદેવ મંદિરના મહંત પર લોકોનો આક્રોશ ફક્ત સીસીટીવી કેમેરા ચાલુ ન હોવાના મુદ્દે ભડક્યો હતો અને મહંત મનમોહન દાસજી ને માર મારવામાં આવ્યા હતા. તેમને ગંભીર ઇજાઓ સાથે અંકલેશ્વરની સરગમ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા છે.
આ ઘટનાની જાણ થતા જ ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા તેમજ અંકલેશ્વર રામકુંડ મંદિરના મહંત ગંગાદાસ થી બાપુ સરગમ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને મહંત મનમોહનદાસજીની તબિયત અંગે પૃચ્છા કરી હતી તેમજ આ ઘટનાને વખોડી નાખી હતી.
તો અંકલેશ્વર રામકુંડ મંદિરના મહંત ગંગાદાસ બાપુ એ પણ જણાવ્યું હતું કે આ ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ અને સમગ્ર ગુજરાત સંત સમાજ આ બાબતે એક થઈને મહંત મોહનદાસજીના પડખે રહેશે. તેમજ હુમલાખોર તમામ વિરુદ્ધ કડકમાં કડક પોલીસ કાર્યવાહી થાય તેવી પણ અમે માંગ કરીએ છીએ. આ ઘટના ભાગલપુરમાં ઘટેલી ઘટનાથી અલગ નથી પરંતુ પ્રભુના આશીર્વાદથી મહંત બચી ગયા છે.
નોંધનીય છે કે મહંત મનમોહનદાસજી પર માત્ર હુમલો થયો નથી પરંતુ રૂપિયા સાડા ચાર લાખ રોકડા, ચાંદીની એક ઈંટ અને મહંત મનમોહન દાસજી ગળામાં જે ચેઈન પહેરતા હતા એની પણ લૂંટ થઈ છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત આગામી દિવસોમાં પડે એમ હાલ લાગી રહ્યું છે.