



દક્ષિણ આફ્રિકામાં અશ્વેત લૂંટારૂઓ દ્વારા ભારતીયોને બાનમાં લઇને લૂંટની ઘટનાઓ સતત વધી રહી છે. દક્ષિણ આફ્રિકામાં વધુ એક ગુજરાતી પર લૂંટ દરમિયાન હુમલો થયો છે. મૂળ ભરૂચના પગુથણ ગામના યુવાનના સ્ટોર પર અશ્વેત લૂંટારુઓએ લૂંટ ચલાવ્યા બાદ હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત યુવાન સારવાર હેઠળ છે. આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે.
દોઢ મહિના પહેલા પણ સાઉથ આફ્રિકાના વેન્ડા સિટીમાં ભરૂચના વ્હોરા સમની ગામના યુવાનને લૂંટવા હવામાં ગોળીબાર કર્યો હતો. સાઉથ આફ્રિકાના વેન્ડા ખાતે સ્થાયી થયેલા અરકામ હાજી યુસુફ પટેલ ઉર્ફે અરકામ કોઠા કાર લઇ ખરીદી કરવા નીકળ્યો હતો. તે વખતે એક કાળા રંગની કારમાં કેટલાક અશ્વત લૂંટારૂઓએ તેનો પીછો કરતા તેણે બચવા કાર ભગાડી હતી. ત્યારબાદ તેણે નજીકમાં લોકોની ભીડવાળા સ્થળે પોતાની કાર ઊભી કરી દીધી હતી.
દરમિયાન કાળા કલરની કારમાં 3 અશ્વેત લૂંટારૂઓ ત્યાં પહોંચ્યાં હતા. જે પૈકી બે લૂંટારૂઓએ કારમાંથી ઊતરી હવામાં ફાયરિંગ કરી અરકામની કારમાં પાસે દોડી ગયા હતા. તેમણે અરકામને લૂંટી ત્યાં આસપાસ ઉભેલાં લોકોને હવામાં ફાયરિંગ કરી ગભરાવી કારમાં નાસી છૂટ્યા હતા. આ ઘટના ત્યાં લાગેલા એક CCTV કેમેરામાં કેદ થઇ ગઇ હતી. ઘટનામાં અકરામને તેના હાથની કોણીના ભાગે ઇજાઓ થઇ હતી.
7 સપ્ટેમ્બરે સાઉથ આફ્રિકાના જનીન ખાતે કાવીના 3 યુવાનો પર નિગ્રોનો હૂમલો અને લૂંટ
સાઉથ આફ્રિકાના જનીન શહેરમાં રોજગારી અર્થે ગયેલાં જંબુસરના કાવી ગામના 3 યુવાનો પર નિગ્રોના ટોળાએ હૂમલો કરીને તેમને માર મારી 1.30 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. કાવી ગામના ત્રણ યુવાનો સિરાજ મહંમદ લીલીવાલા, યુનુસ ઐયુબ આઝાદ તેમજ સુહેલ મહંમદ લીલલીવાલા પણ રોજગારી અર્થે સાઉથ આફ્રિકાના જનીન ખાતે ગયા હતા. દરમિયાનમાં ગત 7મી સપ્ટેમ્બરના રોજ ત્રણેય મિત્રો નિત્યક્રમ મુજબ તેમની નોકરીએ ગયા હતા. તેઓ તેમની કારમાંથી નીચે ઉતરી રહ્યાં હતાં. તે જ સમયે નિગ્રોના ટોળાએ તેમના પર બંદૂક સાથે ધસી આવી હૂમલો કર્યો હતો. ટોળાએ તેમને બંદૂકના નીચેના ભાગેથી મારી ઇજાઓ પહોંચાડી જમીન પર પાડી દીધા હતા. આ ઉપરાંત તેમની પાસેથી અંદાજે 1.30 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. ઘટનાના CCTV ફૂટેજ વાઇરલ થવા સાથે પરિવારજનોને ઘટનાની જાણ થતાં પરિવાર ચિંતામાં ગરકાવ થયો છે.