



ચાર વર્ષથી તૌસીફ લગ્ન માટે ધાકધમકી આપતો હતો, નિકિતાએ ડર્યા વગર સ્કૂલ-કોલેજનો અભ્યાસ શરૂ રાખ્યો ને ટોપ કર્યું
પ્રાપ્ત અહેવાલો અનુસાર તૌસીફ નિકિતાને વારંવાર ફોન કરતો હતો, આ દરમિયાન તૌસીફની માતા પણ નિકિતા પર ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરતી હતી. જોકે આ બધી પરિસ્થિતિ વચ્ચે પણ મક્કમ રહેલી નિકિતાએ ડર્યા વગર પોતાનો અભ્યાસ શરૂ રાખ્યો હતો અને સ્કૂલ કોલેજોમાં તે ટોપ કરતી રહી. નિકિતા ટોચની સરકારી અધિકારી બની સેવા કરવા માગતી હતી પણ સનકી તૌસીફે તેની જાહેરમાં હત્યા કરી દીધી.
મૃતક નિકિતાના પિતા મૂલચંદ તોમર તેમજ મામા હાકિમસિંહે જણાવ્યું હતું કે નિકિતા સ્કૂલના સમયમાં તે બહુ જ હોશિયાર હતી અને તેણે ટોપ કર્યું હતું. આરોપી તૌસીફ પણ સ્કૂલમાં ૧૨માં ધોરણમાં સાથે ભણતો હતો ત્યારથી તેને પરેશાન કરતો રહ્યો. નિકિતાએ આ વાતની જાણકારી પરિવારને પણ આપી જોકે પરેશાન કરતો હોવાની વધુ વાત ન કરી. ૨૦૧૮માં લગ્ન કરવાના ઇરાદાથી નિકિતાનું તૌસીફે અપહરણ કરી લીધુ હતું. બાદમાં તૌસીફનો પરિવાર નિકિતાના પરિવારને મળ્યો હતો અને જે બન્યું તેની માફી માગી હતી. જોકે બાદમાં તેઓએ નિકિતા પર દબાણ વધાર્યું, તૌસીફની માતાએ નિકિતાને ફોન પર ધર્મ પરિવર્તન કરી લગ્ન કરી લેવા માટે દબાણ કર્યું હતું. તૌસીફ અને તેનો પરિવાર નિકિતાનું બ્રેઇન વોશ કરવા માગતા હતા, પણ નિકિતાએ વિરોધ કર્યો અને લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી તેના તૌસીફે તેના મિત્રો સાથે મળી જાહેરમાં હત્યા કરી દીધી હતી.