



મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ અગ્રણી કેશુભાઈ પટેલ ના દુઃખદ અવસાન અંગે શોક ની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે.
ગુજરાતના પૂર્વ સીએમ કેશુભાઇ પટેલ કોરોનાને મહાત આપ્યા બાદ સ્વસ્થ થયા હતા. કોરોના ની સારવાર લીધા બાદ તેઓ સ્વસ્થ થયા હતા, પરંતુ તેઓની હાલત કથળી ગઈ હતી. આજે અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં એકાએક તેમનું નિધન થયું છે. ધારીની સભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ કેશુભાઇ પટેલના નિધન અંગે દુ:ખ વ્યક્ત કર્યું.
મુખ્ય મંત્રીશ્રી એ સ્વ.કેશુભાઈ પટેલને ગુજરાતમાં જનસંઘ થી લઇ ને ભાજપા સુધી વટ વૃક્ષ ઉભુ કરનારા અને રાજકીય ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રદાન કરનારા સમર્પિત નેતૃત્વ કર્તા ગણાવ્યા હતા.
કેશુભાઈ પટેલે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્ર ને અર્પણ કર્યું હતું એટલું જ નહિ ખેડૂત પુત્ર તરીકે પણ તેમણે ખેડૂત હિત સહિત અનેક લોક સેવા કાર્યો થી ભાજપા ને અપ્રતિમ લોક ચાહના અપાવી છે. એમ મુખ્ય મંત્રીશ્રી એ સદગત કેશુભાઈ ના પ્રદાન ની સરાહના કરતા જણાવ્યુ હતુ.
મુખ્ય મંત્રીશ્રી એ કહ્યું કે કેશુભાઈ ના અવસાનથી આપણને સૌને મોટી ખોટ પડી છે અને આ ખોટ આપણને સદાય સાલશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
શ્રી વિજય ભાઈ રૂપાણીએ સદગત કેશુભાઈ ના આત્મા ની પરમ શાંતિની પ્રાર્થના પણ સૌ વતી કરી છે