



ભરત ચુડાસમા – અંકલેશ્વર પાલિકાના પાણી પુરવઠા વિભાગના અધિકારી પંકજ પટેલ તેમજ પાણી પુરવઠા અંતર્ગત પાણીના નળ કનેક્શન આપવા માટે કોન્ટ્રાક્ટ લેનાર બલ્લુભાઈ નામના ઇસમની સાથેની વાત સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.
ઓડિયો ક્લિપમાં સ્પષ્ટ સંભળાઈ રહ્યું છે કે બલ્લુભાઈ અને પંકજભાઈએ વચ્ચેની વાતચીતમાં વહેવારની વાત થાય છે જેમાં એક નળના કનેક્શન દીઠ 500 રૂપિયા ચૂકવવાની પણ વાત થઈ રહી છે. આ ઓડિયોમાં કોઈક સાહેબને આ નાણાં ચૂકવવા પડે એમ હોવાનું પણ સ્પષ્ટ થાય છે. તો વધુમાં 65 કનેક્શન હોય તો રૂપિયા ૩૨થી ૩૫ હજાર ચૂકવવા પડે એમ કોન્ટ્રાક્ટર સ્પષ્ટ બોલતો જણાય છે. સાથે રકમ ઓછી કરવાની વિનંતી પણ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહી છે.
આ બાબતે પાલિકાના વિપક્ષના નેતા ભુપેન્દ્ર જાનીએ જણાવ્યું હતું કે, અંકલેશ્વર નગરપાલિકા દિવસેને દિવસે ભ્રષ્ટાચારના ભોરિંગમાં સંડોવાઈ રહી છે. જેનો તાજો અને બોલતો પુરાવો હવે તો સામે આવ્યો છે. સેનીટાઇઝર કૌભાંડ અને થેલી કૌભાંડ પણ સામે જ છે. ત્યારે આ તમામ સામે વિજિલન્સ તપાસ થવી જોઇએ. અને વિરોધ પક્ષ આ બાબતે રજૂઆત ઉચ્ચકક્ષા સુધી પણ કરવાની જ છે.
નગરપાલિકાની ટર્મ આમ તો પૂરી થવાની તૈયારી જ છે. ત્યારે હવે છેલ્લે છેલ્લે સત્તા પક્ષના નેતાઓ અને અધિકારીઓ કદાચ કોન્ટ્રાક્ટરો પાસેથી જાણે ફરીથી હવે સત્તા મળવાની નથી તેમ લાંબું ચોડું ઉઘરાણું કરીને પોતાના ગજવા ભરવા માંગતા હોય તેમ લાગી રહ્યું છે. આ અંગે પણ વિજિલન્સ તપાસ થવી જોઇએ. આ સંદર્ભે ઉચ્ચ કક્ષાએ અમુક સ્વચ્છ પ્રતિભા ધરાવતી વ્યક્તિઓએ ફરિયાદ કરી હોય એવી વાત બહાર આવી રહી છે.