



– 2019ના હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા
– હમને હિન્દુસ્તાન કો ઘૂસ કે મારા, પુલવામા હમારી સફળતા : ફવાદ ચૌધરી
પાકિસ્તાન આતંકવાદનું જનક-પાલક-પોષક હોવાનું વધુ એક વાર સાબિત થયું
પાક.સંસદમાં ઇમરાનની આબરૂના ધજાગરા
(પીટીઆઈ) ઇસ્લામાબાદ,
2019માં કાશ્મીરના પુલવામામાં થયેલો હુમલો પાકિસ્તાને જ કરાવ્યો હતો, એવો એકરાર પાકિસ્તાની મંત્રીએ કર્યો હતો. પાકિસ્તાનના વિજ્ઞાાન-ટેકનોલોજી મંત્રી ફવાદ ચૌધરીએ પાકિસ્તાની સંસદમાં કહ્યું હતું કે હમને હિન્દુસ્તાન કો ઘૂસ કે મારા, પુલવામા હમારી સફલતા હે.
આટલું બોલવું જાણે ઓછું હોય તેમ મંત્રીએ આ હુમલાની સફળતાનો શ્રેય પણ ઓછું ઇમરાન ખાનને આપી દીધો હતો. એ સાથે જ પાકિસ્તાન આતંકવાદીઓને ઉછેરતું હોવાનો વધુ એક પૂરાવો જગત સમક્ષ રજૂ થઈ ચૂક્યો હતો. ભારત વર્ષોથી કહેતું આવ્યું છે કે કાશ્મીરમાં આતંકવાદ પાછળ પાકિસ્તાની સરકાર અને સૈન્યનો જ હાથ છે. એ વાત પાકિસ્તાની મંત્રીએ આજે જગત સમક્ષ રજૂ કરી દીધી હતી.
ફવાદ ચૌધરી પાકિસ્તાની વડા પ્રધાન ઈમરાન ખાનના વિશ્વાસુ છે. માટે તેમની આ વાતના ગંભીર પ્રત્યાઘાતો પડયા છે. વળી ચૌધરી પુલવામા હુમલા વખતે પાકિસ્તાનમાં માહિતી-પ્રસારણ મંત્રી હતા. ફેબુ્રઆરી 2019માં જમ્મુ-શ્રીનગર હાઈવે પરથી પસાર થઈ રહેલા સીઆરપીએ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)ના જવાન પર પુલવામા પાસે આતંકી હુમલો થયો હતો. ભારતમાં છેલ્લા વર્ષોમાં થયેલો એ ઘાતક હુમલો હતો. તેના પરિણામે બન્ને દેશો વચ્ચેના સબંધો અતિ તંગ બન્યા હતા.
પાકિસ્તાનના આ સ્વિકાર પછી ભારતે ફરીથી કહ્યું હતું કે અમે વર્ષોથી કહેતા આવીએ છીએ એ વાતનો પાકિસ્તાને આજે સ્વિકાર કર્યો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું હતું કે રાષ્ટ્રસંઘે જાહેર કરેલા આતંકીઓ પૈકી સૌથી વધુ આતંકીઓ પાકિસ્તાનમાં આશરો લઈને બેઠા છે. થોડા દિવસો પહેલા ભારત અને અમેરિકા વચ્ચે થયેલા ટુ-પ્લસ-ટુ સંવાદ વખતે પાકિસ્તાનને કહ્યું હતું કે તમે આતંકને પ્રોત્સાહન આપવાનું બંધ કરો. પાકિસ્તાને એ તો બંધ નથી કર્યું, પણ પોતાની પોલ ખોલી દીધી હતી.
સ્ટ્રાઈક પર શંકા કરનારા રાહુલ હવે તો માનશે ને? : ભાજપનો પ્રહાર
ભાજપે આજેે કહ્યું હતું સ્ટ્રાઈક વખતે રાહુલ ગાંધીને સરકાર કેે આર્મી પર વિશ્વાસ ન હતો. પરંતુ હવે જ્યારે રાહુલના માનીતા દેશ પાકિસ્તાને જ સ્ટ્રાઈકનો એકરાર કર્યો છે, ત્યારે તો રાહુલ આ વાત માનશે ને? ભાજપ પ્રમુખ નડ્ડાએ કહ્યું હતું કે સર્જીક સ્ટ્રાઈક પછી સરકાર અને લશ્કરમાં વિશ્વાસ મુકવાને બદલે કોંગ્રેસે આર્મીનુ મોરલ તોડવાનો પ્રયાસ કર્યો હતો. નડ્ડાએ કહ્યુ હતુ કે રફાલ વિમાનો ભારતને મોડા મળે એટલા માટે પણ કોંગ્રેસે અનેક પ્રયાસો કર્યા હતા. પણ દેશના લોકોએ કોંગ્રેસના બધા પ્રયાસો રિજેક્ટ કર્યા છે. સંબિત પાત્રાએ કહ્યું હતું કે રાહુલ માત્ર કોંગ્રેસના નહીં પાકિસ્તાનના પણ કુંવર છે.